Halvad:કેનાલના પાણીથી નવા વેગડવાવ ના ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન – તંત્ર દ્વારા ખેડૂતોની વાત ન સાંભળતા હોવાના આક્ષેપ

કેનાલના પાણીથી નવા વેગડવાવ ના ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન – તંત્ર દ્વારા ખેડૂતોની વાત ન સાંભળતા હોવાના આક્ષેપ

હળવદ તાલુકાના વિવિધ ગામોમાં પિયતનું પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ આ માઈનોર કેનાલમાં પાણી પહોંચવાના બદલે ખેડૂતોને વધારે તકલીફ પડી રહી છે. જેમાં વાત કરવામાં આવે તો વેગડવાવ ગામમાંથી પસાર થતી ડી-17 મુખ્ય કેનાલમાં ઘણા સમયથી નબળુ કામકાજ અને હલકી ગુણવત્તાની કામગીરી થયેલ છે. જેના કારણે કેનાલની બન્ને બાજુ પાણી લીકેજ થાય છે. અને આ પાણી લીકેજના કારણે ખેતરોમાં પાણી પુષ્કળ ભરાઈ જાય છે. જેના કારણે ખેડૂતોનો પાક સતત નિષ્ફળ જાય છે. જેથી કરીને તાત્કાલિક ધોરણે માઈનોર ડી-17નું સમારકામ કરવામાં આવે તેવી કાર્યપાલક ઈજનેર સરદાર સરોવર નર્મદા નિગર ધ્રાંગધ્રા ખાતે રજૂઆત તારીખ 7-10ના કરવામાં આવી હતી.

પરંતુ તંત્ર દ્વારા ખેડૂતોનો અવાજ સાંભળવામાં નહીં આવતા આજે વેગડવાવ ગામમાંથી પસાર થતી માઈનોર કેનાલ લીકેજ થવાના કારણે આજે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. જેમાં રાજેશભાઈ નારાયણભાઈ સોનગ્રાની વાડીમાં આશરે 10 વિઘામાં પાણી ભરાઈ જતા 3 લાખથી વધારેનું નુકસાન થયું છે. જેમાં કપાસ અને મગફળી પાણીમાં તરબોળ થઈ જતા નુકસાન થયું છે. વધુમાં ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ પાણીની જરૂરિયાત નહીવત હોય અને પાણી કેનાલમાં છોડવામાં આવતા ખેડૂતોને નુકસાન થાય છે. અને વધુમાં ગેટમેન દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં નહીં આવતા ખેડૂતો પોતાની મરજી મુજબ ગેટ ખોલબંધ કરતા હોય છે. જેથી કરીને પાણી ખેડૂતોને ફાયદા કરતા નુકસાન વધારે કરે છે. જેથી કરીને કેનાલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા તંત્રને લેખિતમાં કરવામાં આવી છે.








