
વડાપ્રધાન/ ગૃહમંત્રી અને બીજા મંત્રીઓએ 1 ઓકટોબર 2023ના રોજ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો. વડાપ્રધાને 1 ઓક્ટોબરના રોજ એક કલાક, એક સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી તેથી સત્તાપક્ષના મંત્રીઓ/નેતાઓ/ કાર્યકરો મોટી સંખ્યામાં ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ અને ‘સ્વચ્છતા એ જ સેવા’ની ઝૂંબેશમાં જોડાયા હતા. તેમણે રસ્તાઓ અને સાર્વજનિક સ્થળોએ સફાઈ કરી હતી. વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું હતું કે ‘સ્વચ્છ ભારત સંયુક્ત જવાબદારી છે !’ સમાચાર સંસ્થા ANI-Asian News International તથા ગોદી મીડિયાએ આ ઘટનાનો એવો પ્રચાર કર્યો કે જાણે દેશ આખો સ્વચ્છ થઈ ગયો હોય !
થોડાં પ્રશ્નો : [1] દર વરસે ‘સ્વચ્છતા અભિયાન’ ચાલે છે છતાં બસ સ્ટેશન/ રેલ્વે સ્ટેશન/ જાહેર સ્થળો/ સરકારી કચેરીઓ/ કોર્ટ/ પંચાયતો/ નગરપાલિકાઓ/ મહાનગરપાલિકાઓમાં જ ગંદકી કેમ હોય છે? [2] સ્વચ્છતા અભિયાન સરકારી છે કે સત્તાપક્ષનું? જો સરકારી હોય અને દેશના લોકોને તેમાં જોડવાના હોય તો સફાઈ કરતા વડાપ્રધાન/ ગૃહમંત્રી/ મુખ્યમંત્રી/ મંત્રીઓની બાજુમાં પક્ષના નિશાન વાળા ગમછાધારી કાર્યકરો કેમ? શું આ ઝૂંબેશમાં સફાઈની ભાવના જોવા મળે છે કે પ્રચારની અતિ ભૂખ? શું સરકારી/ લોકાના ટેક્સના પૈસે ‘અવતારી’ની ઈમેજ ઊભી કરવાની આ કોશિષ નથી? કેન્દ્રીય ગૃહમંત્રી અનદાવાદમાં સફાઈ કરે છે, તેનો ફોટો જૂઓ; પાછળ સ્વચ્છતા માટે શ્રમદાનનું બેનર છે; તેમાં પોતાની તથા વડાપ્રધાનની તસ્વીર છે; સફાઈ કરવાનું કેવું લોકેશન? સત્તાપક્ષમાં પ્રચારની ભૂખ કેટલી હદે વકરી ચૂકી છે, તેનો આ પુરાવો નથી? [3] IAS/IPS વગેરે અધિકારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાય છે, તેઓ પ્રથમ કચરો ફેંકાવે છે અને પછી સ્વચ્છતાનું આબેહૂબ નાટક કરે છે ! શું આવા સ્વચ્છતા અભિયાનનો કોઈ અર્થ ખરો? [4] સરકાર/ સત્તાપક્ષ ખરેખર સ્વચ્છતા પ્રેમી હોય તો સફાઈ કર્મચારીઓને ગટરમાં ઊતરવું પડે? માનવ મળને હાથથી સાફ કરવું પડે? શું સફાઈ કામદારોને સફાઈના સાધનો મળે છે ખરાં? નગરપાલિકાઓ/ મહાનગર પાલિકાઓમાં સફાઈ કામનું ખાનગીકરણ થતાં સફાઈ કર્મચારીઓનું શોષણ થતું નથી? શું સફાઈ કર્મચારીઓને ‘કર્મયોગી’નું બિરુદ આપવાથી તેમની સમસ્યાઓને અંત આવી જાય? [5] આઝાદીના 75 વરસ બાદ પણ સફાઈ કર્મચારીઓની સમસ્યાઓ પ્રત્યેક આંખમિચામણાં કરવામાં આવે છે. સફાઈના અત્યાધુનિક મશીનો/ સુરક્ષા ઉપકરણોની ઉપલબ્ધતા છતાં સફાઈ કામદારોને કોઈ તૈયારી વિના સીવર/ ડ્રેનેજ ચેમ્બર/ સેપ્ટિક ટેંકમાં ઉતારી દેવામાં આવે છે. જેથી સફાઈ કામદારોના મોત થઈ રહ્યા છે. થોડા રુપિયા માટે ગરીબ સફાઈ કામદારોને, સુરક્ષા ઉપકરણો વિના પોતાનો જીવ જોખમમાં મૂકવા મજબૂર કરવામાં આવે છે. 17 મે 2023ના રોજ દિલ્હીના કાશ્મીરી ગેટ પાસે સફાઈ કામદારોએ ધરણા યોજ્યા હતા; અને જાતિવાદ/ ઠેકાપ્રથા/ પૂંજીવાદના પ્તીકાત્મક પૂતળાંને આગ ચાંપી હતી; છતાં તેની નોંધ લઈ કોઈ સુધારો થયો નથી ! આવું કેમ? મેન્યુઅલી સીવર સાફ કરાવવી તે જઘન્ય શોષણ અને ભયાનક સંવેદનહીનતા નથી? જો ચંદ્ર પર યાન મોકલી શકાય તો ધરતી પર સફાઈ કામદારોની મુશ્કેલીઓ દૂર ન થઈ શકે? શું દેશના નાગરિકોને બંધારણે આપેલ અને માનવ અધિકાર મુજબ ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર નથી? મોટાભાગના સફાઈ કામદારો દલિત છે; એ કારણે તંત્ર/ સત્તાપક્ષ આંખમિચામણાં કરતા હશે? વડાપ્રધાન સફાઈ કર્મચારીઓના કામને ‘આધ્યાત્મિક કાર્ય’ કહે છે; છતાં પાંચ સફાઈ કર્મચારીના પગ ધોવાના નાટક સિવાય કોઈ કામગીરી ખરી? 5 એપ્રિલ 2023ના રોજ સરકારે સંસદને જણાવેલ કે છેલ્લા 5 વરસમાં 308 સફાઈ કર્મચારીઓ સીવર સફાઈ કરતા મોતને ભેટ્યા હતા. એટલે દર અઠવાડિયે 1 સફાઈ કર્મચારીનું મોત ! આ તો સરકારી આંકડા છે, વાસ્તવિક આંકડો વધુ હશે ! 1993થી હાથથી મેલું સાફ કરવા પર પ્રતિબંધ છે, છતાં 2023માં દેશમાં 58,098 સફાઈ કામદારો હાથથી મેલું સાફ કરવા વિવશ છે ! 308 સફાઈ કામદારોના મોત માટે એક પણ જવાબદારને સજા ન થઈ; એવું કેમ? પીડિત પરિવારોને વળતર પણ નહીં, એવું કેમ? [6] શું ગંદકી; ગરીબી/ બેરોજગારી/ તંત્રના માનસિક કોહવાટ સાથે જોડાયેલ નથી? [7] જે નેતાઓ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લે છે તેમણે સૌપ્રથમ પોતાના મનની સફાઈ કરવાની જરુર નથી? ગાંધીજીનું નામ લેવાનું અને ગોડસેવાદી હરકતો કરવાની? ગાંધી હત્યાના એક આરોપી સાવરકર પુરાવાના અભાવે છૂટેલ હતા, છતાં તેમનું મહિમામંડન શામાટે કરવામાં આવે છે? મનની સ્વચ્છતા હોય તો મહિલા પહેલવાનોને FIR નોંધાવવા સુપ્રિમકોર્ટમાં જવું પડે? મનની સ્વચ્છતા હોય તો બળાત્કારીઓ/ હત્યારાઓને ફૂલમાળા પહેરાવે? કંકુ તિલક કરે? મનની સ્વચ્છતા હોય તો ફેઈક એન્કાઉન્ટર કરાવવા પડે? તડિપાર થવું પડે?
સૌથી મોટો સવાલ એ છે કે વડાપ્રધાન/ગૃહમંત્રી; સ્વચ્છતા અભિયાનના નામે દેશના લોકોને ઢોંગ શામાટે શિખવાડે છે? પહેલા મનની સફાઈ કરો, દેશ આપોઆપ સ્વચ્છ થઈ જશે !rs


[wptube id="1252022"]





