
MORBI:મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કપાસની પેરા વિલ્ટ (નવો સૂકારો)ના નિયંત્રણ માટે માર્ગદર્શિકા બહાર પડાઈ
મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા કપાસની પેરા વિલ્ટ (નવો સૂકારો)/ સુદાન વિલ્ટ/ ન્યુ વિલ્ટનાં લક્ષણો, વિકૃતીના કારણો તથા નિવારણના ઉપાયો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
પેરા વિલ્ટ (નવો સૂકારો)/ સુદાન વિલ્ટ/ ન્યુ વિલ્ટના લક્ષણો
પેરા વિલ્ટ (નવો સૂકારો)/ સુદાન વિલ્ટ/ ન્યુ વિલ્ટના લક્ષણોમાં આ એક જાતની દેહધાર્મીક વિકૃતી છે. પાન શરૂઆતમાં પીળા પડી જાય છે. ધીમે ધીમે છોડ ઝાંખો પીળો પડી અને પાણીની તાણ અનુભવતો હોય તેમ લાગે છે. પાન મુરજાઇ જાય છે. આમાં મૂળ તંદુરસ્ત હોય છે તથા રસ વાહીનીઓ કે મૂળની છાલ બદામી કે કથ્થાઈ થતી નથી. આ વિકૃતિ કોઈ ફૂગ, જીવાણુ કે વાયરસથી થતી નથી. સામાન્ય પણે પાણીની ખેંચ પછી ભારે વરસાદ થતા અથવા જીંડવા બેસતી વખતે ખાતર અને પાણીની ઉણપને કારણે તેમજ ઉષ્ણતામાન ૩૫- ૪૦°સે. કરતા વધુ હોય ત્યારે છોડ સુકાતા હોય છે આ પ્રકારના સુકારામા છોડ ભાગ્યે જ મરતા હોય છે.
વિકૃતિના કારણો
વિકૃતિના કારણોમાં હાઈબ્રિડ જાતોના માતૃ છોડ પૈકી કોઈ એક રોગપ્રેરક હોય ત્યારે જીંડવા બેસતી વખતે છોડ સૂકાય છે. હલકી જમીનમાં ઘણી વખત છોડ આ રીતે સૂકાતા જોવા મળે છે. ઘણી વખત છોડમાં ખોરાક પાણી લઈ જતી વાહિનીઓ બંધ થઈ જવાથી છોડ સુકાય છે. હલકી ઢાળવાળી જમીનમાં પિયત માટેના લાંબા કયારામાં ઉપરની બાજુએથી પાણી ખાતર ઢાળની દિશામાં વહી જવાથી ઉપરના ભાગમાં પાણી અને ખાતરની ઉણપને કારણે છોડ સુકાતા જોવા મળે છે. શરૂઆતમાં જમીનમાં પાણી ભરાઈ રહેવાથી મૂળનો વિકાસ રૂંધાય છે. જેથી છોડની વિકાસ અવસ્થાએ સીમિત મૂળ વિસ્તારને લઈને જમીનમાંથી પોષક તત્વોનો ઓછા પ્રમાણમાં ઉપાડ થવાથી છોડ સૂકાય છે. હલકી જમીનમાં વાવેતર થવાથી ઘણી વખત જમીનમાંથી જરૂરી પોષક તત્વો છોડ ન લઈ શકવાને કારણે પણ સૂકાય છે.
નિવારણના ઉપાયો
નિવારણના ઉપાયોમાં પાણી ભરાય તેવી પરિસ્થિતિ નિવારવી. સૂકાતા છોડને શરૂઆતમાં જમીનમાં પાણી પુરતા પ્રમાણમાં આપવું જેથી પાક બચાવી શકાય. અસગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો. પાણી અને ખાતરનું પ્રમાણ ભલામણ મુજબ અને યોગ્ય સમયે આપવું. હલકી જમીનમાં સારુ કોઠવાયેલું સેન્દ્રીય ખાતર આપી તેની ભેજસંગ્રહ શકિત વધારી શકાય છે અને પાણીની ખેંચ વખતે પિયત આપી પાકને બચાવી શકાય છે. વધુ વરસાદ બાદ વરાપે ખેડ કરવાથી અથવા છોડનાં મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરી આપવાથી અથવા પાલર પાણી આપવાથી ફાયદો થાય છે.
મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર-જવર માટે કાણા પાડવા. છોડ ઉપર ફુલભમરી અને જીંડવાઓ બેઠા હોય ત્યારે પાણી અને પોષક તત્વોની અછત જોવા મળે ત્યારે ૧૯-૧૯- ૧૯(એન.પી.કે.) પાણીમાં દ્રાવ્ય ખાતર ૧૦૦ ગ્રામ + માઇક્રોમિસ ગ્રેડ-૪, ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગળી પાન ઉપર છંટકાવ કરવો. પોટેશીયમ નાઈટ્રેટ 3 ટકાનું દ્રાવણ છાંટવાથી અથવા યુરીયાનું ૧ ટકાનું દ્રાવણ છોડના થડ ફરતે રેડવાથી સુકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે.
આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામ સેવક / વિસ્તરણ અધિકારી / કે.વી.કે. / ખેતી અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક / નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.