
વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ
વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ ; વીંધાય છે પુષ્પ અનેક બાગનાં ; પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની! જીવો તણી કાય મૂંગી કપાય છે! કલેવરો કાનનનાં ઘવાય છે!* કવિ ઉમાશંકર જોશીની આ પંક્તિઓ ભારતીય સંસ્કૃતિનાં આત્મા સમાન સહજીવનની વાત સચોટ રીતે સમજાવી જાય છે. વિશ્વએ વિકાસ પાછળ લગાવેલી દોટમાં ક્યાંકને ક્યાંક પર્યાવરણ ભૂલાયું ગયું છે,ઔદ્યોગિકરણના યુગમાં આડેધડ સ્થાપેયલા ઉદ્યોગિક એકમોના કારણે વૃક્ષોનો નાશ થયો છે, ઉદ્યોગના પ્રદુષણ કારણે લોલાછમ ભાષતા વૃક્ષો સુક્કાભઠ થઈ ગયા છે,રસક્સ ઉડી ગયા છે, પાંદડે પાંદડું ખરી ગયું છે, પ્રદુષણની આટલી બધી અસર જો વૃક્ષો પર થતી હોય તો કુમળા બાળકો પર માણસો પર કેટલી વિઘાતક અસર થતી હશે ?એટલે જ હાલ અનેક અવનવા રોગોથી માનવજાત પીડાઈ રહી છે, એક સમયે કલરવ કરતા પક્ષીઓ ઓછા થઈ ગયા છે, વર્તમાન સમયમાં પર્યાવરણ પ્રત્યે સભાન રહેવું અત્યંત આવશ્યક છે. પર્યાવરણ બચાવવા દરેક વ્યક્તિએ પ્રયત્નો કરવા પડે છે. રોજીંદા જીવનમાં બદલાવ લાવી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવો, વીજળીની બચત કરવી, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, કચરો જ્યાં-ત્યાં ફેંકવો નહીં, અન્નનો બગાડ કરવો નહીં, ઘોંઘાટ કરવો નહીં, ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ અને તેનું જતન કરવું એટલું જ પુરતું નથી. સૃષ્ટિનું બેલેન્સ જાળવવા માટે પશુ, પક્ષી અને પ્રાણીઓ પણ એટલા જ મહત્વનાં છે.

આ કેવી વિડંબણા કહેવાય. ભારત દેશમાં તો પશુ, પક્ષી, પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા ખંડોબા માટે શ્વાન, સરસ્વતી માટે મોર, જગદંબાનું વાહન સિંહ, મા દુર્ગા માટે વાઘ, દેવી લક્ષ્મી માટે ઘુવડ, વૈષ્ણવી માતા માટે ગરૂડ, માતા મહેશ્વરી માટે નંદી, ગંગા માતાનું વાહન મકર, દેવી ઇન્દ્રાણી માટે હાથી, મા ઘુમાવતી માટે કાગડૉ અને બહુચરા માતા માટે મગર! રામ ભગવાન પણ પશુ-પક્ષીઓને ખુબ આદર આપતા. પરંતુ સવાલ એ છે કે સ્વયં દેવતાઓનાં વાહન ગણાતાં આવા પશુ-પક્ષી અને પ્રાણીઓની અત્યારે હાલત શું છે? અને એનાથી પણ વધુ મહત્વનો સવાલ એ છે કે આવી હાલત પાછળ કોણ જવાબદાર છે? આપણા શાસ્ત્રોમાં પણ એમનાં મહત્વ અને જતન માટે કેટલી વિશેષ બાબતો લખી છે.

ઋગ્વેદ અનુસાર ખેતરમાંથી પેદા થતાં અનાજના વિવિધ ભાગ બતાડવામાં આવ્યા છે જેના પર અલગ અલગ જાતિઓનો અધિકાર દર્શાવવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તૈયાર અનાજ નીચેનો ભાગ ભૂમિ માટે, અનાજ લળીયા પછીનો ભાગ પશુ માટે, તૈયાર અનાજની પહેલી કુંડી અગ્નિ માટે, પહેલી એક મુઠ્ઠી પંખીઓ માટે, દડાવ્યા પછી એક મુઠ્ઠી લોટ કીડીઓ માટે, પહેલી રોટલી ગાય માટે,પહેલી થાળી વડીલો માટે પછી ની થાળી આપણા માટે, છેલ્લી રોટલી કુતરા માટે છે એવું શીખવવામાં આવ્યું છે. આ છે સનાતન સંસ્કૃતિ. જેને કેટલે અંશે અનુસરવી એ તો માણસનાં જ હાથમાં છે. ‘કશું ન થાય તો મારાથી ઓછામાં ઓછુ કોઈ પશુ, પક્ષીને નુકસાન તો જ ન થાત’ એવો પ્રણ સૌ કોઈએ લેવો જોઈએ. વર્તમાન પેઢીને તો જે સમજાયું એ અને જે ગ્રહણ કર્યું એ પણ આવનારી પેઢી એટલે કે બાળકોને તો ગળથૂથીએ જ પશુ સેવા, ગૌ સેવાનાં સંસ્કાર આપવા જોઈએ જેના કારણે ભારતનું ભવિષ્ય સાચા અર્થમાં ઉજળું થઈ શકે.
લેખન-સંકલન:-દિનેશભાઈ ડી.વડસોલા








