મહિલા પહેલવાનો સાથે યૌન શોષણ મામલે ભાજપ સાંસદ બ્રજભૂષણ તક મળતાં જ શોષણનો પ્રયાસ કરતાં : દિલ્હી પોલીસ

મહિલા પહેલવાનો સાથે યૌન શોષણ મામલે આરોપી ભાજપ સાંસદ બ્રજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આરોપો નક્કી કરવા અંગે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે કોર્ટે બ્રજભૂષણને તો હાજર થવાની છૂટ આપી હતી પણ સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ જે દલીલો અને દાવા કર્યા તે સાંભળીને તમે પણ ચોંકી જશો.
દિલ્હી પોલીસે પોતાની દલીલમાં દાવો કર્યો હતો બ્રજભૂષણ એ વાતથી વાકેફ હતા કે તે શું કરી રહ્યા છે. બ્રજભૂષણને જ્યારે પણ તક મળતી ત્યારે મહિલા કુશ્તીબાજો સાથે દુષ્કર્મ કે તેમનું શોષણ કરવાનો પ્રયાસ કરતાં હતા. દિલ્હી પોલીસે કહ્યું કે સવાલ એ નથી કે પીડિત છોકરીએ કોઈ પ્રતિક્રિયા આપી છે કે નહીં, પરંતુ સવાલ એ છે કે મહિલા પહેલવાનો સાથે ખોટું કરાયું. જે પુરાવા રજૂ કરાયા છે તે બ્રજભૂષણ વિરુદ્ધ આરોપો નક્કી કરવા પર્યાપ્ત છે.
દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું કે જો ભારતમાં કોઈ મહિલા વિરુદ્ધ IPCની કલમ 354A હેઠળ ગુનો કરવામાં આવે છે, તો આરોપીને મહત્તમ ત્રણ વર્ષની સજા થઈ શકે છે. ગુજરાતમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતા દિલ્હી પોલીસે કહ્યું કે આ કેસમાં પણ ઘણી એફઆઈઆર અલગથી નોંધવામાં આવી હતી, પરંતુ કોર્ટે કેસની સુનાવણી એક જગ્યાએ કરી હતી.
તાજેતરમાં સુનાવણી દરમિયાન મહિલા રેસલર્સ વતી વકીલ રેબેકા જ્હોને કોર્ટને જણાવ્યું હતું કે મહિલા રેસલર્સનું ક્યારે અને ક્યાં યૌન ઉત્પીડન થયું હતું. આમાં દેશ અને વિદેશના સ્થળોનો સમાવેશ થાય છે.
રેબેકા જ્હોને કહ્યું કે, એક મહિલા કુસ્તીબાજએ તેની ફરિયાદમાં જણાવ્યું કે તેણે 2016માં રિયો, મંગોલિયામાં ઓલિમ્પિક ક્વોલિફાઇંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જમવા માટે રેસ્ટોરન્ટમાં ગયા હતા, ત્યારે બ્રિજ ભૂષણ પણ ત્યાં ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, મને ત્યાં બોલાવવામાં આવી જ્યારે હું ત્યાં ગઈ ત્યારે બ્રિજ ભૂષણે મારી છાતી પર હાથ મૂક્યો અને મારા પેટ સુધી હાથ લઈ લીધો. જે બાદ હું ડરી ગઈ અને ત્યાંથી જતી રહી હતી, જમ્યા પછી એ મારા રૂમમાં આવ્યો હતા.
રેબેકાએ દલીલ કરી હતી કે એક મહિલા રેસલરે કહ્યું હતું કે તેણે ક્યારેય બ્રિજ ભૂષણને એક્યુપંક્ચર વિશે માહિતી લેતી વખતે પુરૂષ કુસ્તીબાજોને તપાસતા જોયા નથી. ઓવર સાઇટ કમિટીના સભ્યના નિવેદનમાં એવું કહેવામાં આવ્યું હતું કે મહિલા રેસલરે બ્રિજ ભૂષણ દ્વારા છેડતીની વાત કહી હતી, પરંતુ ત્યાંનું વિડિયો રેકોર્ડિંગ વારંવાર બંધ કરવામાં આવી રહ્યું હતું. અન્ય એક મહિલા રેસલરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવામાં આવ્યું હતું. કહ્યું કે જો તું મારી સાથે સમાધાન કરે તો તને ક્યારેય કોઈ તકલીફ નહિ પડે.










