વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરનાર વલસાડ શહેરના શ્રેષ્ઠ નાગરિકોનું સન્માન કરાયું

વલસાડ તા. ૧૮ સપ્ટેમ્બર
કેન્દ્ર સરકારના ભારત રત્ન એવોર્ડથી પ્રેરિત થઈને વલસાડની સેવાભાવી સંસ્થા જેસીઆઈ દ્વારા વર્ષ ૨૦૧૪થી શહેરના શ્રેષ્ઠ નાગરિકો કે જેઓએ જુદા જુદા ક્ષેત્રમાં પોતાની સેવા આપી વલસાડ શહેરનું નામ રાજ્ય કે દેશમાં ગુંજતું કર્યુ હોય તેની નોંધ લઈ ત્રણ જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.
આ વર્ષે વલસાડમાં ૧૦૩ વર્ષથી પણ વધુ વર્ષોથી મફત સેવા આપનાર RNC આઈ હોસ્પિટલને તેમની સેવા બદલ નગરરત્ન સંસ્થાનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. તબીબી ક્ષેત્રે પોતાનું યોગદાન આપવા બદલ ડો. ઉદય દેસાઈ અને ડો. પિનેશ મોદીને તેમજ સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવા માટે નરેશ નાયક અને ડો. શ્રીકાંત કનોજીયાને વિશિષ્ટ નાગરિક સન્માન વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. પર્યાવરણની દેખરેખ અને જતન કરવા બદલ આશિષ પટેલને કર્તવ્ય નિષ્ઠ એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બ્લ્યુ બિલિયન ગ્રુપના CMD ડો. કિશોર નાવંદર હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ ચેરપર્સન તરીકે જેસી દીપેશ શાહ અને જેસી કલ્પેશ ગાંધીએ સેવા આપી હતી. મહેમાનોનું સ્વાગત પ્રેસિડેન્ટ સાહિલ અશોક દેસાઈએ કર્યું હતું. આભારવિધિ જેસી દીપા શાહે કરી હતી. સમગ્ર વલસાડ જેસીઆઈ પરિવારના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઊઠાવી હતી.










