
ભારત અને કેનેડા વચ્ચે મુક્ત વેપાર સમજૂતિ (FTA)ને લઇને વાતચીત રોકી દેવામાં આવી છે. રાજકીય ટકરાવને કારણે આ ચર્ચા રોકવામાં આવી છે. કેનેડાના વેપાર મંત્રી મેરી એનજી ઓક્ટોબરમાં ભારત સાથે યોજાનાર ટ્રેડ મિશનને સ્થગિત કરી રહ્યાં છે. આ વાતચીત ઓક્ટોબરમાં થવાની હતી. મેરીના પ્રવક્તા શાંતિ કોસેન્ટિનોએ જણાવ્યું કે અમે ભારત સાથે ટ્રેડ મિશનને સ્થગિત કરી રહ્યાં છીએ.
આ પહેલા ભારતે શુક્રવારે કહ્યું હતું કે જ્યાર સુધી કેનેડા પોતાની જમીન પરથી ભારત વિરોધી ગતિવિધિ પર રોક નથી લગાવતું ત્યાર સુધી તેમની સાથે મુક્ત વેપાર સમજૂતિ પર વાત કરવામાં નહીં આવે. બન્ને દેશો વચ્ચે લગભગ એક દાયકા પછી FTA પર વાતચીત શરૂ થવાની હતી. બન્ને દેશો વચ્ચે મતભેદને કારણે બનેલા ખાલિસ્તાની મુદ્દાનો હવાલો આપ્યા વગર એક સીનિયર અધિકારીએ કહ્યું કે એક વખત રાજકીય મુદ્દો હલ કર્યા બાદ વાતચીત શરૂ કરવામાં આવશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે તાજેતરમાં કેનેડાએ વાતચીતને સ્થગિત કરવાની વાત કહી હતી.
ન્યૂઝ એજન્સી અનુસાર, મંત્રીના પ્રવક્તા શાંતિ કોસેન્ટિનોએ કોઇ કારણ આપ્યા વિના કહ્યું, “આ સમયે અમે ભારત માટે આગામી વેપાર મિશનને સ્થગિત કરી રહ્યા છીએ.” G-20 સમિટ દરમિયાન વિશ્વના અનેક નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઔપચારિક દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ દરમિયાન તેમણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને નજરઅંદાજ કર્યા હતા અને માત્ર એક નાની ઔપચારિક બેઠકની પરવાનગી આપી હતી.
ભારતના રાજ્ય પંજાબની બહાર કેનેડામાં શીખોને વસ્તી સૌથી વધારે છે. અહીં વારંવાર ખાલિસ્તાની સમર્થકો ભારત વિરોધી પ્રદર્શન કરતા રહ્યાં છે. ભારતે કેનેડાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આવી ગતિવિધિ પર રોક લગાવો. નેતાઓની મુલાકાત પછી ભારત સરકારે કહ્યું હતું કે, ‘તે અલગાવવાદ પર ભાર મુકી રહ્યાં છે અને ભારતીય રાજદૂતો વિરૂદ્ધ હિંસા ભડકાવી રહ્યાં છે. રાજદૂતોના ઘરોને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે અને કેનેડામાં ભારતીય સમાજ અને તેમના પૂજા સ્થળોને ધમકી આપી રહ્યાં છે.
મહત્ત્વપૂર્ણ છે કે ભારત અને કેનેડા એક બીજા સાથે મોટા સ્તર પર વેપાર કરે છે. કેનેડા નાણાકીય વર્ષ 2023માં 8.16 અબજ ડૉલર વેપાર સાથે ભારતનો 35મો સૌથી મોટો વેપાર ભાગીદાર હતો. આ દરમિયાન ભારતે કેનેડાને 4.11 અબજ ડૉલરની નિકાસ કરી જે નાણાકીય વર્ષ 2022માં 3.76 અબજ ડૉલર હતી. કેનેડાથી આયાત 29.3 ટકા વધીને 4.05 અબજ ડૉલર થઇ ગઇ છે.










