NATIONAL

‘ભારત’ના નામથી આમંત્રણ મુદ્દે દેશમાં મહાભારત

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં જી-૨૦ શિખર મંત્રણાની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. જી-૨૦ બેઠકમાં આમંત્રિત મહેમાનો માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે ડીનરનું આયોજન કર્યું છે. દ્રૌપદી મુર્મૂ દ્વારા મહેમાનોને ‘ભારતના રાષ્ટ્રપતિ’ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વિગતો જાહેર થતાં જ મંગળવારે દેશભરમાં ‘ભારત’ નામ મુદ્દે મહાભારત શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર દેશનું નામ બદલી નાંખવાનો આરોપ મૂક્યો છે જ્યારે કેન્દ્ર સરકારે વિશેષ સત્ર બોલાવ્યું છે ત્યારે આ સત્રમાં બંધારણમાંથી ‘ઈન્ડિયા’ શબ્દ દૂર કરવા માટે બિલ રજૂ કરવામાં આવે તેવી અટકળોએ પણ જોર પકડયું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા જી-૨૦ શિખર મંત્રણા નિમિત્તે શનિવારે યોજેલા ડિનર માટે અંગ્રેજીમાં ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ના નામથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે દેશના નામ અંગે અંગ્રેજીમાં લખવાનું હોય ત્યાં ‘ઈન્ડિયા’ લખવામાં આવે છે. પરંતુ આ આમંત્રણમાં અંગ્રેજીમાં ‘ભારત’ લખવામાં આવ્યું છે. આ આમંત્રણ પત્રિકા મંગળવારે સામે આવતા કોંગ્રેસ સહિત વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે.

આ મુદ્દે સૌથી પહેલાં કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને જણાવ્યું હતું. તેમણે લખ્યું કે, ‘રાષ્ટ્રપતિ ભવન દ્વારા ૯ સપ્ટેમ્બરના રોજ જી-૨૦ દેશોના પ્રતિનિધિઓને ડિનર માટે આપવામાં આવેલા આમંત્રણમાં ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખવામાં આવ્યું છે. હવે બંધારણની કલમ ૧ વાંચો. તેમાં લખ્યું છે, ‘ઈન્ડિયા, જે ભારત છે, તે રાજ્યોનો સંઘ છે.’ પરંતુ હવે આ રાજ્યોનો સંઘ આક્રમણનો ભોગ બન્યો છે.’ જયરામ રમેશની આ પોસ્ટે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તૂળોમાં દાવાનળનું કામ કર્યું અને એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે.

જી-૨૦ સંબંધિત કેટલાક દસ્તાવેજોમાં દેશના નામ તરીકે ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરાયો હોવાની પુષ્ટી કરતાં કેટલાક સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઈરાદાપૂર્વક લેવાયેલું પગલું છે. ભારત દેશનું સત્તાવાર નામ છે. બંધારણ તેમજ વર્ષ ૧૯૪૬થી ૫૮ની ચર્ચાઓમાં પણ તેનો ઉલ્લેખ છે તેમ જી-૨૦ પ્રતિનિધિઓ માટેની પુસ્તિકામાં જણાવાયું છે. ‘ભારત  લોકતંત્રની માતા’ નામના મથાળા વાળી આ પુસ્તિકમાં પણ જણાવાયું છે કે, ભારત, જે ઈન્ડિયા છે, તેના શાસનમાં લોકોની સંમતિ લેવી એ પૌરાણિક સમયના ઈતિહાસથી જીવનનો એક ભાગ છે.

બીજીબાજુ કેન્દ્ર સરકારે ૧૮થી ૨૨ સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રનો એજન્ડા જાહેર કરાયો નથી ત્યારે તેમાં ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’, મહિલા અનામત બિલ, યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરવામાં આવે તેવી અટકળો ચાલતી હતી. પરંતુ આ નવા વિવાદના પગલે હવે એવી ચર્ચા થવા લાગી છે કે કેન્દ્ર સરકાર આ સત્રમાં બંધારણમાંથી ‘ઈન્ડિયા’ શબ્દ દૂર કરવા બિલ લાવી શકે છે. હકીકતમાં બંધારણમાં ‘ઈન્ડિયા’ અને ‘ભારત’ બંનેને સત્તાવાર નામ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. દેશનો ઉલ્લેખ અંગ્રેજીમાં ‘ઈન્ડિયા’ તરીકે જ્યારે હિન્દી સહિત અન્ય ભાષાઓમાં ‘ભારત’ તરીકે  કરવામાં આવે છે. હવે સરકાર અંગ્રેજી સહિત દરેક ભાષાઓમાં દેશનો ઉલ્લેખ ‘ભારત’ તરીકે કરવા માટે બિલ લાવશે તેવી અટકળોએ જોર પકડયું છે.

કોંગ્રેસ સહિત વિપક્ષે કેન્દ્ર સરકાર પર દેશનું નામ ‘ઈન્ડિયા’થી બદલીને ‘ભારત’ કરવાની યોજના બનાવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી ‘ઈન્ડિયા’ સંગઠનથી એટલા બધા ગભરાઈ ગયા છે કે તેઓ દેશનું નામ બદલી નાંખવા માગે છે.’ જયરામ રમેશે આ વિવાદના સંદર્ભમાં શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને ભાજપને ‘ઈન્ડિયા’ શબ્દ સામે વાંધો હોવા અંગે સવાલ ઉઠાવ્યો હતો.

કોંગ્રેસ નેતા જયરામ રમેશેકહ્યું કે, આ જ ભાજપે એક સમયે ‘ઈન્ડિયા શાઈનિંગ’, ‘ડિજિટલ ઈન્ડિયા’, ‘સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, ન્યૂ ઈન્ડિયા’ જેવા અભિયાન ચલાવ્યા છે. જેની સામે કોંગ્રેસના અભિયાનનું નામ ‘ભારત જોડો યાત્રા’ હતું, જેને ગુરુવારે એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. તેમણે નરેન્દ્ર મોદી ઉપર પણ પ્રહારો કરતા કહ્યું હતું કે, ‘મોદી ઈતિહાસનો નાશ કરવા માગે છે, ઈન્ડિયાને વિભાજિત કરવા માગે છે, જે ઈન્ડિયા યુનિયન ઑફ સ્ટેટસ છે તેને પણ ખતમ કરવા માગે છે, પરંતુ અમે હિંમત હારીશું નહીં.’

‘ભારત’ શબ્દ સામે કોંગ્રેસે ઉઠાવેલા વાંધાના વિરોધમાં ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ પણ કોંગ્રેસને આવા જ સવાલો કરતાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસને ભારત નામ સાથે આટલો વાંધો હોય તો તેણે તેના અભિયાનનું નામ ભારત જોડો યાત્રા કેમ રાખ્યું હતું. વધુમાં તેમને ભારત નામ સામે વાંધો છે તેથી તેઓ હવે ભારત માતા કી જય સૂત્રનો પણ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસનો વિરોધ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેને દેશ માટે કે સંવિધાન માટે કે બંધારણીય સંસ્થાઓ પ્રત્યે કોઈ માન નથી. તેઓ એક જ કુટુંબની પ્રશંસા કરતા રહે છે. સમગ્ર દેશ કોંગ્રેસના રાષ્ટ્ર-વિરોધી અને સંવિધાન વિરોધી હેતુઓ જાણે જ છે.’ બીજીબાજુ અસમના મુખ્યમંત્રી હિંમત બિશ્વા સરમાએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘વેલકમ રીપબ્લિક ઓફ ભારત. આનંદ અને ગૌરવ છે કે આપણી સંસ્કૃતિ અમૃતકાળ તરફ આગળ વધી રહી છે.’

દેશનું નામ ‘ઈન્ડિયા’ રાખવું કે ‘ભારત’ એ વિવાદ નવો નથી. દેશ આઝાદ થયો ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો છે. જોકે, વર્ષ ૨૦૧૨માં યુપીએના શાસનમાં કોંગ્રેસ દેશનું નામ ‘ભારત’ રાખવા માટે બંધારણમાંથી ‘ઈન્ડિયા’ શબ્દ દૂર કરવા એક બિલ લાવી હતી. ૯ ઑગસ્ટ ૨૦૧૨ના રોજ રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શાંતારામ નાઈકે પ્રાઈવેટ બિલ રજૂ કર્યું હતું. તેમણે ત્રણ ફેરફારની દરખાસ્ત કરી હતી. (૧) બંધારણની પ્રસ્તાવનામાં ‘ઈન્ડિયા’ શબ્દની જગ્યાએ ‘ભારત’ શબ્દ રાખવો. (૨) ‘ઈન્ડિયા, ધેટ ઈઝ ભારત’ વાક્યની જગ્યાએ માત્ર ‘ભારત’ શબ્દ રાખવો જોઈએ. (૩) બંધારણમાં જ્યાં પણ ‘ઈન્ડિયા’ શબ્દ આવે છે ત્યાં ‘ભારત’ શબ્દ કરવામાં આવે. આ બિલમાં કહેવાયું હતું કે, ‘ઈન્ડિયા’ પ્રાદેશિક અવધારણા દર્શાવે છે જ્યારે ‘ભારત’ માત્ર ક્ષેત્ર કરતાં ઘણુ વધુનું પ્રતીક છે. આપણે દેશની પ્રશંસા કરીએ તો ‘ભારત માતા કી જય’ કહીએ છીએ, ‘ઈન્ડિયાની જય’ નહીં. ‘ભારત’ નામ દેશભક્તિની ભાવના પેદા કરે છે અને દેશવાસીઓમાં જુસ્સો ભરી દે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button