
બોટાદ ખાતે આવેલા સાળંગપુર ધામના વિવાદિત ભીંતચિત્રો મામલે સરકારના હસ્તક્ષેપ બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ આગામી 36 કલાકમાં ભીંતચિત્રો હટાવી લેવાની બાંહેધરી આપવામાં આવી છે. સનાતન ધર્મના સંતો અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે સતત 4 દિવસ ચાલેલા વિવાદમાં છેવટે સરકારે હસ્તક્ષેપ કરી મામલો થાળે પાડવાની ફરજ પડી હતી.
ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલના સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રીઓ હાજર રહ્યા હતા ઉપરાંત આ બેઠકમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. દોઢ કલાક ચાલેલી બેઠક પૂર્ણ થયા બાદ વડતાલ સંપ્રદાયના સંતો સીએમ નિવાસસ્થાનથી રવાના થયા હતા. અને તે પછી અમદાવાદમાં આવેલા શિવાનંદ આશ્રમ ખાતે વીએચપીના સંતો સાથે બેઠક યોજી હતી.
કેટલાક મીડિયા અહેવાલો મુજબ, વડતાલ સંપ્રદાયના સંતોએ જણાવ્યું છે કે, VHPના આગેવાનો અને સનાતન ધર્મના સંતો જેમ કહેશે એમ કરીશું. હનુમાનજી મહરાજ સ્વામિનારાયણ સંપ્રદાયના કુળ દેવતા છે. હનુમાનજી પ્રત્યે અતુટ શ્રદ્ધા છે એટલે જ આટલી મોટી મૂર્તિની સ્થાપના કરી છે. અમે સરકારનું નાક દબાવવા નથી માંગતા પણ આશ્વાસન આપવા માગીએ છીએ કે અમે હિન્દુ ધર્મને નુકસાન નહીં થવા દઈએ.










