સાળંગપુર મૂર્તિ વિવાદ મામલે મોરબી, માળિયા અને ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા આવેદન, ભીંતચિત્રો હટાવવા ઉગ્ર માંગ કરાઈ.

સાળંગપુર મૂર્તિ વિવાદ મામલે મોરબી, માળિયા અને ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા આવેદન, ભીંતચિત્રો હટાવવા ઉગ્ર માંગ કરાઈ.
પ્રસિદ્ધ સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોથી વિવાદ સર્જાયો છે સમગ્ર રાજ્યના સાધુ સંતો નારાજ જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર આવા ભીંતચિત્રો હટાવવા માંગ ઉગ્ર બની રહી છે. ત્યારે આજે મોરબી ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ તથા સાધુ સંતોને સાથે રાખીને કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
મોરબી જિલ્લા અને ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા આવેદન પાઠવી જણાવ્યું છે. કે, બોટાદ જિલ્લાના સાળંગપુર મુકામે આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના કષ્ટ ભંજન દેવ મંદિરનું આવેલ છે. આ મંદિર ના જવાબદાર તમામ સ્વામીઓ દ્વારા હનુમાનજીની વિશાળ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.તેની નીચે હનુમાનજીના ભીંતચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે ભીંતચિત્રોમાં ૨૦૦ કે ૨૫૦ વર્ષ પૂર્વે ઉદભવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડે ઉર્ફે ભગવાન સ્વામિનારાયણને હનુમાનજી પગે લાગતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. તેમજ હનુમાનજી સ્વામિનારાયણ ભગવાનની સેવામાં હોય અને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયનો તિલક કરેલો હોય તેવું પણ આ ભીંતચિત્રોમાં દ્રષ્ટીગોચર થાય છે.જે સમગ્ર સનાતન ધર્મનું અપમાન છે.

હનુમાનજી રામાનંદી સાધુ સમાજના આરાધ્ય દેવ છે. તેઓ માત્ર અને માત્ર રામ ભક્ત હતા રુદ્ર ના અવતાર હતા અને અજર અમર દેવ છે. આ પ્રકારે તેમનું અપમાન કરી શકાય નહીં. જેથી રામાનંદી સાધુ સમાજની લાગણી દુભાઈ છે. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં દેવી-દેવતાઓને નીચા દેખાડવાનો ફોટાઓ તથા લખાણોના માધ્યમથી પ્રયાસ કરવામાં આવ્યો છે, તે કદાપી ચલાવી લેવાય નહીં. તેનાથી સમગ્ર ગુજરાતની પ્રજામાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. જેથી રામાનંદી સાધુ સમાજની માંગ છે કે આ ભીંતચિત્રોને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને સમાજની જે લાગણી દુભાયેલી છે તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું.
તો આ સાથે મોરબી જિલ્લા રામાનંદી સાધુ સમાજ દ્વારા આ સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન છે સરકારે આ બાબતે યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને સનાતન ધર્મનું અનુસરણ કરતા લોકોને લાગણી ન દુભાઈ એ બાબતે ધ્યાન રાખવું જોઈએ. સાળંગપુર હનુમાન ખાતે આ ભીંતચિત્રોના માધ્યમથી હિન્દુ દેવી-દેવતાઓની ઠેકડી ઉડાડી એમનું અપમાન કરવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા દેશમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવા બદલ દંડ આપતો કાયદો લાવી કડકમાં કડક સજા કરવી જોઈએ તેવું જણાવવામાં આવ્યું હતું.








