
દેશમાં હાલમાં વરસાદની ગેરહાજરીમાં દઝાડતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં હવામાન વિભાગે સારો એવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. દેશના જુદા જુદા રાજ્યોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર 4 થી 6 સપ્ટેમ્બર વચ્ચે ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. તેનાથી અનેક રાજ્યોમાં ગરમીથી રાહત મળવાની આશા છે. જોકે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને યુપી જેવા વિસ્તારોમાં વરસાદની કોઈ શક્યતા નથી.
હવામાન વિભાગ અનુસાર આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં બે અને ત્રણ સપ્ટેમ્બરે ભારે વરસાદ જોવા મળશે. પૂર્વ ભારતની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ, ઓડિશામાં બેથી 6 સપ્ટેમ્બર, આંદામાન અને નિકોબારમાં 2-5 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડવાની આશંકા છે. આ ઉપરાંત મધ્ય ભારતની વાત કરીએ તો વિદર્ભમાં 5-6 સપ્ટેમ્બર, છત્તીસગઢમાં વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીએ તો કોંકણ, ગોવામાં 2 સપ્ટેમ્બર, મધ્ય મહારાષ્ટ્રમાં 2 અને 3 સપ્ટેમ્બર તથા મરાઠાવાડમાં 4-5 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ભારત વિશે જણાવ્યું કે તમિલનાડુ, પુડ્ડુચેરી અને દક્ષિણ ઈન્ટીરિયર કર્ણાટકમાં બે સપ્ટેમ્બર, ઉત્તર ઈન્ટીરિયર કર્ણાટક તથા રાયલસીમામાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.










