કિંશાસાઃ આફ્રિકન દેશ કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્થાનિક લોકો સામે સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં 40થી વધુ લોકો માર્યા ગયા હતા. કોંગી સેનાએ આ બાબતને સમર્થન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે.
મીડિયા અહેવાલ અનુસાર સેનાએ શરૂઆતમાં સાત લોકોના મોતનાં જાણકારી આપી હતી. કોંગો સરકારે બુધવારે પૂર્વ કોંગો શહેર ગોમામાં યુએન વિરોધી હિંસક પ્રદર્શનો પર કડક કાર્યવાહી કરી હતી. આમાં અન્ય 56 લોકો ઘાયલ થયા છે. એક પોલીસકર્મી પરના હુમલાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કોંગી સેનાએ ગોમા શહેરમાં યુએન પીસકીપીંગ મિશન અને અન્ય વિદેશી સંસ્થાઓ સામેના વિરોધ પ્રદર્શનો પર જોરદાર કાર્યવાહી કરી છે, મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.
મીડિયા રિપોર્ટમાં કોંગી અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પોલીસકર્મીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી સેનાએ સખત કાર્યવાહી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે તે દેખાવકારોના થયેલા મોતની તપાસ કરી રહ્યું છે. કેટલાક અહેવાલોમાં પ્રાંતીય સૈન્યના પ્રવક્તા ગુઇલાઉમ એનડજિકે જણાવ્યું હતું કે મૃત્યુઆંક સાત હતો. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોંગી સેના અધિકારીઓનો એક વીડિયો વાયરલ થયો છે. એવું જોવા મળે છે કે સેના ડઝનબંધ મૃતદેહોને ટ્રોલીમાં ખેંચી રહી છે.