RAMESH SAVANI

‘અમે હિન્દુધર્મનો ભાગ નથી !’ એવું સ્વામિનારાયણ સંપ્રદાય શા માટે કહે છે?

બોટાદ જિલ્લાના સાળંગપુરમાં હનુમાનજી બાળ સહજાનંદજી સમક્ષ હાથ જોડીને સેવામાં હાજર છે તેવું ભીંતચિત્ર મૂકેલ છે અને હનુમાનજીના મસ્તકે સ્વામિનારાયણ-તિલક છે ! આ કારણે ગુજરાત ભરના સાધુ/સંતોમાં ભારે આક્રોશ જોવા મળે છે. ‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં 1 સપ્ટેમ્બર 2023ના રોજ વડતાળ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ દેવપ્રકાશ સ્વામીનું કથન પ્રસિદ્ધ થયેલ છે, તેઓ કહે છે : “હનુમાનદાદા મહારાજ છે, તેઓ જ સમગ્ર વિવાદનો અંત લાવશે. 2 વર્ષમાં રાજ્યમાં કોઈ સંસ્થાએ ન કર્યો હોય તેટલો વિકાસ સાળંગપુરનો થયો છે. પરંતુ વિરોધીઓને સંસ્થાની પ્રગતિ દેખાતી નથી તેના માટે આ પ્રકારના વિવાદ ઊભા કરવામાં આવી રહ્યા છે. જે લોકોને પેટમાં દુખતું હોય તે લોકો કોર્ટમાં જઈ શકે છે !”
સ્વામિનારાયણ સંપ્રદાયની સફળતાનો પાયો જ એ છે કે તેમણે કોઈ પણ જાતની શરમ છેવાડે મૂકી દીધી છે ! હિન્દુધર્મના દેવ-દેવીઓનો ઉપયોગ દાન એકત્ર કરવામાં કરે છે અને તેમનું અપમાન પણ કરે છે ! આ એ સંપ્રદાય છે જેણે સુપ્રિમકોર્ટ સમક્ષ એફિડેવિટ કરીને કહેલ કે ‘અમે હિન્દુધર્મનો ભાગ નથી !’ આવું સ્વામિનારાયણ સંપ્રદાયે શામાટે કહેલ તે જોઈએ. જાન્યુઆરી 1948માં, દલિતોએ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ માટે સત્યાગ્રહ શરુ કર્યો. સાધુઓએ મંદિરને તાળાં મારી દીધાં. 12 જાન્યુઆરી, 1948ના રોજ, જોઈન્ટ સિવિલ જજ, સિનિયર ડિવિઝન, અમદાવાદની કોર્ટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી યજ્ઞપુરુષજીએ; મહાગુજરાત દલિત સંઘના પ્રમુખ મૂળદાસ બૃદરદાસ સામે દાવો દાખલ કર્યો હતો કે બોમ્બે હરિજન ટેમ્પલ એન્ટ્રી એક્ટ, 1947 (પાછળથી બોમ્બે હિંદુ પ્લેસીસ ઓફ પબ્લિક વર્શીપ (એન્ટ્રી-ઓથોરાઇઝેશન) એક્ટ, 1956) હિન્દુ ધર્મના મંદિરોને લાગુ પડે; સ્વામિનારાયણ મંદિરોને લાગુ પડે નહીં; કેમકે સ્વામિનારાયણ સંપ્રદાય એ હિન્દુ ધર્મનો ભાગ નથી; તેથી આ કાયદો અમદાવાદના નરનારાયણ દેવના સ્વામિનારાયણ મંદિર અને તેના તાબાના તમામ મંદિરોને લાગુ પડતો નથી. અમારો સંપ્રદાય હિન્દુ ધર્મથી અલગ છે, તેથી અમારા મંદિરમાં દલિતોને પ્રવેશ આપવાનો પ્રશ્ન રહેતો નથી ! તેથી દલિતોને અમારા મંદિરમાં પ્રવેશ ન કરે તે માટે મનાઈ હુકમ આપવો જોઈએ ! નીચલી કોર્ટે મનાઈહુકમ આપ્યો હતો અને 24 સપ્ટેમ્બર, 1951 ના રોજ શાસ્ત્રી યજ્ઞપુરુષજીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. તેથી મૂળદાસે બોમ્બે હાઈકોર્ટમાં આ ચૂકાદાને પડકાર્યો. હાઈકોર્ટ નીચલી અદાલતના મનાઈહુકમને/ ચૂકાદાને રદ કર્યો. તેથી શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીએ સુપ્રિમકોર્ટમાં અપીલ કરી. દરમિયાન 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. બંધારણના આર્ટિકલ-17 હેઠળ કોઈ પણ રુપમાં, અસ્પૃશ્યતાના આચરણ સામે મનાઈ ફરમાવવામાં આવી ! આ કેસમાં સુપ્રિમકોર્ટ સમક્ષ 2 મુદ્દાઓ ઉપસ્થિત થયેલ; એક, શું સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ ધર્મથી અલગ છે? બીજો મુદ્દો હતો- દલિતોને સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશતા અટકાવે તો Bombay Hindu Places of Public Worship (Entry Authorisation) Act 1956 હેઠળ પગલાં લઈ શકાય? આ કાયદો દલિતોને મંદિરોમાં પ્રવેશ/ પૂજા કરવાના અધિકાર માટે ઘડવામાં આવ્યો હતો. સુપ્રિમકોર્ટે ઠરાવેલ કે દલિતોને મંદિરમાં પ્રવેશ કરતા કે પૂજા કરતા અટકાવી શકાય નહીં; જો અટકાવવામાં આવે તો અસ્પૃશ્યતાને પ્રોત્સાહન મળે. સામાજિક સવલતો અને અધિકારો ભોગવવાનો હક્ક દલિતોને બંધારણે આપેલો છે. સામાજિક ન્યાય એ લોકશાહીનો મુખ્ય પાયો છે. દલિતોને મંદિરમાં પ્રવેશ કરતા રોકવા જ પોતાનો સંપ્રદાય હિન્દુ ધર્મથી અલગ છે; તેવી દલીલ કરવામાં આવી છે; પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુધર્મમાંથી જ ઉદભવ્યો છે; તેમના ગ્રંથમાં કૃષ્ણ ભક્તિ કરવાનું કહ્યું છે. વિધિઓ વૈષ્ણવધર્મ મુજબની છે; તેથી હિન્દુધર્મથી અલગ હોવાની તેમની દલીલ ગ્રાહ્ય રહી શકે નહીં. સુપ્રિમકોર્ટના પાંચ જજની બેંચે 14 જાન્યુઆરી 1966ના રોજ શાસ્ત્રી યજ્ઞપુરુષજીની અપીલ ખર્ચ સાથે ડિસમિસ કરી હતી.
થોડાં પ્રશ્નો : [1] હનુમાનજીના મસ્તક પર સ્વામિનારાયણ-તિલક કરવું/ બાળ સહજાનંદજીએ સેવામાં હાજર રહેવું; આવા વિવાદ ઊભા કરીને કહેવું કે ‘હનુમાનજી સમગ્ર વિવાદનો અંત લાવશે !’ શું આ યોગ્ય છે? શું આ દુષ્કૃત્ય છૂપાવવાની ચાલાકી નથી? [2] બે વરસમાં સંસ્થાની પ્રગતિ થઈ છે તે સહજાનંદજીના/ ગોપાળાનંદજીના કારણે થઈ છે કે હનુમાનજીમાં શ્રદ્ધાળુઓની આસ્થાના કારણે થઈ છે? [3] સ્વામિનારાયણ સંપ્રદાયને શરમ જેવું કંઈ નથી; આર્થિક લાભ માટે ગમે તે હદે જઈ શકે છે; મર્ડર કરાવી શકે છે ! ‘અમે હિન્દુધર્મનો ભાગ નથી; અમે અલગ છીએ !’ એવું સુપ્રિમકોર્ટ સમક્ષ કહેનાર આ સંપ્રદાય જો હિન્દુધર્મનો ભાગ ન હોય તો પોતાના મંદિરમાં સહજાનંદજીની મૂર્તિ મોટા કદની અને કૃષ્ણ/ રામ/હનુમાનજી/ બ્રહ્મા/ વિષ્ણુ/ મહેશ/ પાર્વતીજી વગેરે દેવ-દેવીઓની નાના કદની મૂર્તિઓ શામાટે રાખે છે? હિન્દુ આસ્થાળુઓને છેતરવા જ ને?rs

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button