
વલસાડના વાપીમાં પિતા-પુત્રીના સંબંધો શર્મસાર થયા છે. વાપીમાં એક ઉદ્યોગપતિ પિતાએ પોતાની સગી દીકરીને હવસનો શિકાર બનાવી છેલ્લા 6 વર્ષમાં સિક્રી પર અનેક વાર દુષ્કર્મ આચર્યું હોવાની અત્યંત ઘૃણાસ્પદ ઘટના ઘટી છે.
જયારે પુત્રીએ હવસખોર પિતાથી કંટાળીને અને હિંમત કરીને તેની માતાને આ વાત જણાવી ત્યારે સમગ્ર ઘટના બહાર આવી છે. આ પુત્રીની માતાને તેના પતિની આવી કાળી કરતૂત વિશે ખબર પડતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
વાપીમાં રહેતા અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ફેક્ટરી ચલાવતા ઉદ્યોગપતિ પિતાએ 2016માં પ્રથમવાર તેની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે પુત્રીની ઉંમર 13 વર્ષ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે છેલ્લા 6 વર્ષ સુધી આ નરાધમ પિતાએ તેની સગી દીકરી પર અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું.
આખરે દીકરીએ માતાને સમગ્ર હકીકત જણાવતા તેની માતાએ તેના પતિ વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ લખાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી પિતાની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે પીડિત પુત્રીનું નિવેદન નોંધી મેડિકલ તપાસ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.










