અવકાશમાં એક આવી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે, શનિ ગ્રહ આપણી પૃથ્વીની ખૂબ નજીક આવી રહ્યો છે.

આજે અને આવતી કાલે અવકાશમાં એક આવી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે કે, જેને ખૂબ જ દુર્લભ માનવામાં આવી રહી છે. આ મહિનાના અંતમાં એટલે કે શનિ ગ્રહ આપણી પૃથ્વીની ખૂબ નજીક આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન લોકો પૃથ્વી પરથી કોઈપણ પ્રકારના વિશેષ ઉપકરણોની મદદ લીધા વિના જ શનિ ગ્રહને નિહાળી શકશે.
આ બાબતે માહિતી આપતા નાસા દ્વારા એવું જમાવવામાં આવ્યું છે કે જો કોઈ દર્શક પાસે અંધારું અને ચોખ્ખું આકાશ હશે તો તે દૂરબીનની મદદથી શનિના સૌથી મોટા ચંદ્ર ટાઈટનને જોઈ શકશે.
નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને શુક્રવારે માહિતી આપતા કહ્યું હતું કે આજે અને આવતીકાલે શનિ આકાશમાં ખૂબ મોટો અને તેજસ્વી દેખાશે. આવું એટલા માટે થશે કારણ કે આ ગ્રહ 26મી અને 27મી ઓગસ્ટના રોજ સૂર્યના સીધા વિરોધમાં હશે. સૂર્યપ્રકાશના કારણે પહેલા અને પછીના અઠવાડિયામાં શનિ આકાશમાં તેના સૌથી મોટા અને સૌથી તેજસ્વી દેખાવમાં જોવા મળશે. આ ગ્રહ ફેબ્રુઆરી 2024 સુધી દેખાશે. આ સમય દરમિયાન વ્યક્તિ આકાશમાં દેખાતા શનિ ગ્રહને સરળતાથી ઓળખી શકે છે.
નાસાએ વધુમાં એવું પણ કહ્યું હતું કે શનિ પૃથ્વીથી સૌથી દૂરના ગ્રહોમાંથી એક માનવામાં આવે છે. પરંતુ ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં તેને સરળતાથી નારી આંખે જોઈ શકાશે. નાસા દ્વારા જણાવ્યા અનુસાર શનિ આ સમયગાળા દરમિયાન સૂર્યાસ્ત સમયે દક્ષિણપૂર્વીય ક્ષિતિજ પર જોવા મળશે અને સૂર્યોદય સુધી લોકો આખી રાત તેજસ્વી પીળા તારા તરીકે જોઈ શકશે. આ સમય દરમિયાન કદમાં મોટો અને ચમકદાર હોવાને કારણે શનિ ગ્રહને ઓળખવામાં ખૂબ જ સરળતા રહેશે.
પૃથ્વીની સૌથી નજીક હોવા છતાં લોકો શનિના પ્રખ્યાત બર્ફીલા વલયોને પોતાની નરી આંખોથી જોઈ શકશે નહીં. આ માટે તેમણે સ્પેસ ટેલિસ્કોપ જેવા ઉપકરણનો ઉપયોગ કરવો પડશે. આ ગ્રહ આકાશમાં જોવા મળનારા અન્ય તારાઓ કરતાં વધારે તેજસ્વી દેખાશે. નાસાએ એવું પણ કહ્યું હતું કે દૂરબીન દ્વારા ગ્રહને વધુ સારી રીતે જોઈ શકાય છે, જે તેના સોનેરી રંગને વધુ નિખારશે. આનાથી જોનારાઓને કાનની જેમ દેખાતી તેની રિંગ્સ કે વલયો પણ સ્પષ્ટપણે જોવામાં મદદ મળશે.










