
ટોક્યો, તા.24 ઓગસ્ટ-2023, ગુરુવાર
જાપાનમાં માર્ચ 2011માં આવેલા ભીષણ ભૂકંપ અને સુનામીના કારણે નાશ પામેલ ફુકુશિમા દાયચી પરમાણુ પ્લાન્ટમાંથી સંશોધિત રેડિયોએક્ટિવ પાણીને પ્રશાંત મહાસાગરમાં છોડવાની પ્રક્રિયા આજથી શરૂ કરી દીધી છે. જાપાન સમાચારોના અહેવાલો મુજબ આજે પ્રથમ દિવસે 2 લાખ પાણી છોડવામાં આવશે… ત્યારબાદ દૈનિક 4.60 લાખ લીટર પાણી છોડાશે…. આગામી 30 વર્ષ સુધી 133 કરોડ લીટર રેડિયોએક્ટિવ પાણી સમુદ્રમાં છોડવાની યોજના છે.
વિદેશ સહિત જાપાનના લોકો સંશોધિત પાણીને સમુદ્રમાં છોડવાની યોજનાનો વિરોધ કરી રહ્યા હતા. જાપાનના માછીમારી સમુદાયે વિરોધ કરતા કહ્યું હતું કે, આમ કરવાથી સીફૂડના બિઝનેસ પર અસર પડશે. ચીન અને દક્ષિણ કોરિયાએ પણ આ યોજનાથી વાંધો ઉઠાવ્યો હતો અને આ બાબતનો રાજકીય અને રાજદ્વારી મુદ્દો બનાવ્યો હતો. જાપાન પેસેફિક મહાસાગરમાં ટ્રીટેડ રેડિયોએક્ટિવ વોટર છોડવાનું છે તેની સામે ઘણા સમયથી પ્રચંડ વિરોધ ચાલી રહ્યો છે. જ્યારથી યુનાઈટેડ નેશન્સે જાપાનને પાણી છોડવાની મંજૂરી આપી છે ત્યારથી ચીન અને દક્ષિણ કોરીયા સહિતનાં દેશો વિરોધ કરી રહ્યા છે. પર્યાવરણની સુરક્ષા માટે લડતાં સંગઠનો પણ આ મંજૂરી સામે વિરોધ નોંધાવ્યો હતો.
જાપાન સરકારે તથા યોજના સામેલ ટોક્યો ઈલેક્ટ્રિક પાવર કંપનીએ જણાવ્યું કે, મોટી ઘટનાને ટાળવા તેમજ જગ્યાને સુરક્ષિત કરવા પાણી છોડવું જરૂરી છે. કારણ કે પાણી કેમિકલવાળું તેમજ પાણીમાં રેડિયોએક્ટિવ હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેમણે કહ્યું કે, પાણીને ટ્રીટ કરવાથી તેમજ પાતળું કરવાથી ગંદુ પાણી આંતરરાષ્ટ્રીય માનકોથી પણ વધુ સુરક્ષિત થઈ જશે અને પર્યાવરણને પણ નહિવત નુકસાન થશે.
ઉલ્લેખનિય છે કે, અગાઉ જાપાનને ટ્રીટેડ રેડિયોએક્ટિવ વોટર છોડવાની મંજૂરી આપીને યુનાઈટેડ નેશન્સ આખા પેસિફિક મહાસાગરના પાણીને ઝેરીલું કરી નાંખશે તો મોટા પ્રમાણમાં સમુદ્રી જીવોનો નાશ થશે એવી ચેતવણી ચીન સહિતના દેશો તથા સંગઠનો દ્વારા અપાઈ હતી. આ પાણી જે દેશો સુધી પહોંચશે એ દેશોમાં પણ તેની વિનાશક અસર થશે ને કેન્સર સહિતના જીવલેણ રોગો ફેલાશે એવી ચેતવણી અપાઈ રહી છે. ચીને તો ત્યાં સુધી કહ્યું હતું કે, જાપાન પોતાના પરનો ખતરો દુનિયા પર થોપવાની સ્વાર્થીવૃત્તિ બતાવીને માનવજાતના વિનાશની દિશામાં પહેલું કદમ ઉઠાવી રહ્યું છે.










