વરુણ ઈન્ડસ્ટ્રીઝ સામે સીબીઆઈનો કેસ
નવી દિલ્હી: સીબીઆઈએ વરુણ ઈન્ડસ્ટ્રીઝ સામે બૅન્ક સાથે કથિત છેતરપિંડીના મામલે બે કેસ નોંધ્યા છે. બે બૅન્કની ફરિયાદના આધારે સીબીઆઈએ કંપની. કંપનીના પ્રમોટર ડિરેક્ટર સામે બે નવા કેસ કર્યા છે. તેવું સીબીઆઈ અધિકારીઓએ બુધવારે કહ્યું હતું. સેન્ટ્રલ બૅન્ક ઓફ ઈન્ડિયાએ ફરિયાદ કરી છે કે બૅન્કને રૂા. ૨૬૯.૨૯ કરોડની ખોટ ગઈ છે. કેનેરા બૅન્કના કહેવા પ્રમાણે તેમની બૅન્કને રૂા. ૧૧૮.૮૮ કરોડની ખોટ ભોગવવી પડી છે. સીબીઆઈની મુંબઈ ખાતેની બૅન્કિંગ સિક્યુરિટીસ ઍન્ડ ફ્રોડ બ્રાન્ચે શોધી કાઢ્યું કે પેકિંગ ક્રેડિટ લિમિટસ (પીસીએલ) સુવિધાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને કેનેરા બૅન્કે આપેલા ભંડોળને અન્પત્ર વાળવામાં આવ્યું હતું. ધ સેન્ટ્રલ બૅન્ક ઓફ ઈન્ડિયાએ ફરિયાદમાં કહ્યું કે ક્રેડિટ ફેસિલિટી મેળવવા કંપનીએ કિરણ એન. મહેતા અને કૈલાસ એસ અગ્રવાલ બંને (પ્રમોટર અને ડિરેક્ટર)ની પર્સનલ ગેરેન્ટી આપવામાં આવી હતી. આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર સેન્ટ્રલ બૅન્ક ઓફ ઈન્ડિયાએ કંપનીના ખાતાને ૧૭મી એપ્રિલ ૨૦૧૨ના દિવસે એનપીએ જાહેર કર્યો હતો.





