હળવદ તાલુકાના પંચાસરી વાડી વિસ્તાર મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણુંક કરાશે
ઉમેદવારોએ આગામી ૨૫ ઓગસ્ટ-૨૦૨૩સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પંચાસરી વાડી વિસ્તાર મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ અરજી ફોર્મ રૂ. ૫(પાંચ)ની ફી ચુકવી તારીખ ૨૫ ઓગસ્ટ સુધીમાં રૂબરૂ કચેરીના કામકાજના સમયે ભરવાનું રહેશે.
સંચાલક તરીકે મહિલા તથા અનુભવી ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે ઉપરાંત પુરૂષ પણ અરજી કરી શકશે. ઉમેદવારની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, તેમજ ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ. જો આ કેંદ્રના વિસ્તારમાં એસ. એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે.
સંચાલક માટે માત્ર સ્થાનિક ઉમેદવાર જ ઉમેદવારી કરી શકશે. જ્યારે પંચાયતમાં ચૂંટાયેલા હોદો ધરાવતા હોય કે રાજય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા હોય અથવા માનદ્ વેતન મેળવતા હોય કે સસ્તા અનાજની દુકાન ધારણ કરતા હોય તેવી વ્યકિત, અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યકિત, હોમગાર્ડ ગૃહ રક્ષણદળના સભ્ય, અગાઉ સરકારી સેવામાંથી નિવૃત થયેલ કે બરતરફ થયેલ વ્યકિત, રાજય સરકાર કે કેન્દ્ર સરકારમાં તેમજ રાજય સરકાર કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી અગર તો કર્મચારીઓના પતિ, પત્ની પુત્ર/પુત્રી કે જે આશ્રિત હોય તે, શાકભાજી મરી મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય તે વ્યકિતએ તેમજ કોઈ પણ જગ્યાએ માનદ વેતન મેળવતી વ્યક્તિ, વકીલાતનો વ્યવસાય કરતી વ્યક્તિ અરજી કરી શકશે નહી.
અરજી ફોર્મ સાથે સ્કુલ લીવીંગ સર્ટી, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, અનુભવનું પ્રમાણપત્ર તથા અન્ય માન્ય સર્ટી પ્રમાણિત નકલો જોડવાની રહેશે અને કોઈ ઉમેદવારને લેખીતમાં ઈન્ટરવ્યુ કોલ મળ્યો હોય તેવા તમામ ઉમેદવાર જણાવેલ તારીખે અને સમયે ઈન્ટરવ્યુમાં સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
હળવદ મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૨૫/૦૮/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાનું રહેશે. ત્યાર બાદ રજુ થયેલ અરજી ફોર્મને ધ્યાને લેવામાં આવશે નહીં. ફોર્મ ભરવા અંગેની વધુ માહિતી માટે મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી હળવદનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ હળવદ મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.








