
બિલકિસ બાનો કેસમાં દોષિતોને છોડવા પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે પૂછ્યું કે આ દોષિતોને મોતની સજા બાદ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. એવામાં 14 વર્ષની સજા કાપીને કેવી રીતે છૂટ્યા? ગુજરાત સરકારને પૂછવામાં આવ્યું કે 14 વર્ષની સજા પછી છોડવાની રાહત બાકી કેદીઓને કેમ ના મળી? 2002માં ગોધરા રમખાણ દરમિયાન બિલકિસ બાનો સાથે ગેન્ગરેપ થયો હતો, તેના પરિવારના 7 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 11 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો ગેન્ગરેપ કેસમાં સુનાવણી યોજાઇ હતી. ગુજરાત સરકાર તરફથી હાજર થયેલા આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ એસવી રાજૂએ કોર્ટમાં કહ્યું કે કાયદો આ નથી કે દરેક કોઇને હંમેશા માટે સજા આપવામાં આવે. કેદીઓને સુધરવાની તક મળવી જોઇએ. જેની પર જસ્ટિસ નાગરત્નાએ પૂછ્યું કે શા માટે માત્ર બિલકીસના દોષિતોને જ મુક્તિમાં છૂટનો લાભ આપવામાં આવ્યો, બાકીના કેદીઓને શા માટે આવી છૂટ મળી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેલો કેદીઓથી ભરેલી છે તો શા માટે તેમને સુધારવાની તક આપવામાં ન આવી. સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે, બિલકિસના દોષિતો માટે જેલ સલાહકાર સમિતિની રચના કયા આધારે કરવામાં આવી? સલાહકાર સમિતિની વિગતો આપો. કોર્ટે સરકારને પૂછ્યું કે જ્યારે ગોધરા કોર્ટે ટ્રાયલ ચલાવી ન હતી તો તેનો અભિપ્રાય કેમ માંગવામાં આવ્યો?
સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનોની અરજી પર હવે 24 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત સરકારની કમિટીના રિપોર્ટ બાદ 15 ઓગસ્ટ 2022ના રોજ બિલ્કીસ બાનો કેસના તમામ દોષિતોને સમય પહેલા છોડી દેવામાં આવ્યા હતા. દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી પરંતુ ગયા વર્ષે ગુજરાત સરકારે તેમને માફી નીતિ હેઠળ મુક્ત કર્યા હતા. મુક્ત કરાયેલા કેટલાક લોકોએ 15 વર્ષ અને કેટલાકે 18 વર્ષ જેલમાં વિતાવ્યા છે.










