દ્વારકા એક્સપ્રેસ વે ના ભ્રષ્ટાચારનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોદી સરકાર પાસે જવાબ માંગ્યો

કેગના રિપોર્ટને લઇને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોદી સરકાર પાસે જવાબ માંગ્યો છે. કેગના રિપોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્વાસ્થ્ય સેવાઓ અને દ્વારકા એક્સપ્રેસ વે પર ખર્ચમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ છે. 77માં સ્વતંત્રતા દિવસ પહેલા કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, વડાપ્રધાન લાલ કિલ્લા પરથી પોતાની જૂઠની ધારાઓ વહેડાવશે પરંતુ શું તેમની અંદર પોતાની સરકાર અને મંત્રીઓના ભ્રષ્ટાચાર પર બોલવાનું સાહસ છે? જયરામ રમેશે કહ્યું કે કેગ રિપોર્ટે મોદી સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે.
કોંગ્રેસ સાંસદે કેગ રિપોર્ટની તે વાતોનો ઉલ્લેખ કર્યો જેમાં દ્વારકા એક્સપ્રેસ વેના વધેલા ખર્ચ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેગ રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટનો ખર્ચ 18 કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટરથી 14 ગણો વધીને 250 રૂપિયા પ્રતિ કિલોમીટર થઇ ગયો છે. કેગના પરફોર્મન્સ ઓડિટમાં આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં પણ ગેરરિતી જોવા મળી છે, જેને કારણે લાભાર્થીઓ પર કરોડો રૂપિયા ખર્ચ થયા હતા.
જયરામ રમેશે કહ્યું કે કેગે અયોધ્યા ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગેરરિતી અને રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ હેઠળ ઓલ્ડ પેજ પેન્શન નિધીનો ઉપયોગ મોદી સરકારની યોજનાઓના પ્રચાર માટે કરવા પર સવાલ ઉઠાવ્યા છે, તેમણે કહ્યું કે અમે માંગ કરીએ છીએ કે વડાપ્રધાન હવે તો બોલો, અમે વડાપ્રધાન પાસે જવાબ માંગીએ છીએ.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. સાથે જ કહ્યું કે આ સરકાર દેશને નરકના રસ્તા પર લઇ જઇ રહી છે. ‘ભારતમાલા પરિયોજના’ હાઇવે પ્રોજેક્ટ પર કેગના રિપોર્ટનો હવાલો આપતા ખડગેએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ પોતાના રાજકીય વિરોધીઓના ભ્રષ્ટાચારનો રાગ આલાપતા પહેલા પોતાની અંદર જોવું જોઇએ. આમ આદમી પાર્ટીએ પણ ભ્રષ્ટાચારને લઇને ભાજપ પર નિશાન સાધ્યું હતું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વ ધરાવતી સરકારે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, તેમણે કહ્યું કે આ ઘટનામાં તે છેલ્લા 75 વર્ષના તમામ આંકડાને પાછળ છોડી ચુક્યા છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી અને રિપોર્ટનો સ્ક્રીનશોટ લગાવ્યો હતો.
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, સરકાર સૌથી વધુ ભ્રષ્ટાચાર સાફ કરવાની વાત કરે છે, પરંતુ કેગના રિપોર્ટ દ્વારા એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ છે. આ કોઈ નાનો આરોપ નથી.