
હરિયાણાના નૂહમાં સાંપ્રદાયિક અથડામણ ફાટી નીકળ્યાના દિવસો પછી, કેટલાક ખેડૂત સંગઠનો અને ખાપ પંચાયતોએ શાંતિની અપીલ કરી છે અને પોતાને ગૌ રક્ષક તરીકે ઓળખાવતા મોનુ માનેસરની ધરપકડ કરવાની માંગ કરી છે. નુહમાં 31 જુલાઈએ શરુ થયેલી કોમી અથડામણમાં છ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં બે હોમગાર્ડ અને એક મૌલવીનો સમાવેશ થાય છે.
બજરંગ દળનો આગેવાન મોનું માનેસર, આ વર્ષની શરૂઆતમાં બે મુસ્લિમ પુરુષોની હત્યાના કેસમાં વોન્ટેડ છે. માનેસર નૂહમાં ધાર્મિક સરઘસમાં જોડાવાનો હતો, જેને કારણે શહેરમાં કોમી અથડામણો થઇ જે બાદમાં ગુરુગ્રામ અને અન્ય વિસ્તારોમાં ફેલાઈ ગઈ.
ખાપ પંચાયતો, ખેડૂત સંગઠનો અને હરિયાણાના ધાર્મિક નેતાઓની હિસારમાં ‘મહાપંચાયત’ યોજાઈ હતી જેમાં હિંસાની નિંદા કરવામાં આવી હતી. જેમાં પ્રદેશમાં શાંતિ અને સંવાદિતા માટે ઘણા ઠરાવો પસાર કર્યા હતા. ભારતીય કિસાન મજદૂર સંઘ દ્વારા આયોજિત આ મહાપંચાયતમાં હિન્દુ, મુસ્લિમ અને શીખોએ ભાગ લીધો હતો. બેઠકમાં એવો સંકલ્પ કરવામાં આવ્યો હતો કે તમામ ધર્મના લોકો શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરશે.
કેટલીક પંચાયતોએ મુસ્લિમ વેપારીઓને તેમના ગામમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કેટલીક ખાપ પંચાયતોએ બહિષ્કારની નિંદા કરી છે અને માનેસરની ધરપકડની માંગ કરી છે. જાટ સમુદાયના સાથે જોડાયેલી ખાપ માનેસરની ધરપકડની માંગ કરી રહ્યા છે અને સાંપ્રદાયિક સૌહાર્દની અપીલ કરી રહ્યા છે.
માનવામાં આવે છે કે માનેસરે સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે નૂહ ધાર્મિક સરઘસમાં હાજરી આપવાનો દાવો કર્યો હતો અને તેના સમર્થકોને મોટી સંખ્યામાં આવવાનું આહ્વાન કર્યું હતું.










