
લખનઊઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં સ્થાનિક ભાજપ નેતા અનુજ ચૌધરીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુરુવારે સાંજે મુરાદાબાદમાં તેમના ઘરની બહાર આ ઘટના બની હતી. તેમને માથા, ખભા અને પીઠમાં ચાર ગોળી વાગી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
34 વર્ષીય અનુજ ચૌધરી મુરાદાબાદમાં તેમના ઘરની બહાર ચાલી રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા ત્રણ બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો હતો અને પછી સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. જ્યારે ઘટના બની ત્યારે ચૌધરી સાથે અન્ય વ્યક્તિ પણ હતો. ગોળી વાગી ગયા બાદ ચૌધરીને મુરાદાબાદની બ્રાઈટસ્ટાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ચૌધરીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે અમિત ચૌધરી અને અનિકેત નામના બે શકમંદો સામે કેસ નોંધ્યો છે.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા છે, જેમાં અનુજ ચૌધરી અને અન્ય એક વ્યક્તિ રસ્તા પર ચાલી રહ્યા છએ. એવામાં બાઇક પર સવાર ત્રણ જણ આવે છે અને ધાંય.. ધાંય… ધાંય… કરતા ચૌધરીને ગોળીઓ મારીને ભાગી છૂટે છે. ગોળીબારને કારણે ચૌધરી રસ્તા પર પડી જાય છે. એમની સાથેના વ્યક્તિને કોઇ ગોળી મારવામાં નહોતી આવી.
પોલીસે ગુનાના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધર્યા પછી જણાવ્યું હતું કે ભાજપના નેતાની હત્યા માટે રાજકીય દુશ્મનાવટ કારણભૂત હોઇ શકે છે. અહેવાલો અનુસાર અનુજ ચૌધરીએ સાંભાના અસમોલી બ્લોકમાંથી બ્લોક પ્રમુખની ચૂંટણી લડી હતી. જોકે, તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેઓ મિલનસાર સ્વભાવના વ્યક્તિ હતા. ચૌધરીના મૃત્યુના સમાચાર જાણીને તેમના વિસ્તારના લોકોમાં શોકની લહેર દોડી ગઇ છે.










