
હરિયાણાના મેવાત જીલ્લાના નૂંહમાં ભડકેલી સાંપ્રદાયિક હિંસાતો શાંત થઇ ગઈ છે પણ ત્યાર બાદ બેન્ને સમુદાયો વચ્ચેની તિરાડ વધુ પહોંળી થઇ ગઈ હોય એવું લાગી રહ્યું છે. હિન્દુત્વવાદી સંગઠનો લઘુમતી સમુદાયના સામાજિક અને અથીક બહિષ્કાર માટે અભિયાન ચલાવી રહ્યા છે. હિન્દુત્વવાદી સંગઠનો રાજ્યના વિવિધ જિલ્લાઓના ઘણા ગામોમાં પંચાયતો યોજી હતી, ત્યાર બાદ 40 જેટલા ગામના લોકોએ મુસ્લિમ સમાજના વેપારીઓ અથવા ગામમાં સામાન વેચવા જતા મુસ્લિમ ફેરિયાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. વહીવટીતંત્રએ આવી પંચાયતો અને તેની સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
નૂંહ હિંસા બાદ ગુરુગ્રામના તિગરા ગામમાં રવિવારે હિન્દુ મહાપંચાયત યોજાઈ હતી. આ દરમિયાન મુસ્લિમ સમુદાય વિરુદ્ધ ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. પંચાયતમાં સામેલ એક સભ્યએ કહ્યું, “હું તમામ ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું છું કે તેઓ તેમના આધાર કાર્ડ તપાસે. જો તેઓ મુસ્લિમ હોય, તો તેમને ન તો ભાડે મકાન આપો અને ન તો તેમની પાસેથી સામાન ખરીદો.”
હિન્દુ મહાપંચાયતની આ અપીલના દુષ્પરિણામો પણ જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે હરિયાણાના ગામડાઓમાંથી મુસ્લિમ વેપારીઓ, દુકાનદારો અને ફેરિયાઓનો બહિષ્કાર કરવાના લેખિત આદેશો જારી કરવામાં આવી રહ્યા છે. હરિયાણાના ઝજ્જર જિલ્લાના મુંડાખેડા ગામમાં પણ આવો જ ફરમાન જારી કરવામાં આવ્યો છે. લખવામાં આવ્યું છે કે પંચાયતે નિર્ણય લીધો છે કે મુસ્લિમ વેપારીઓ અને ફેરિયાઓને ધંધો કરવા ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
મુસ્લિમ સમુદાયના આવા બહિષ્કારના નિવેદનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મોટો પ્રશ્ન એ છે કે વહીવટીતંત્રે આવા નફરતભર્યા નિવેદનો પર કોઈ પગલાં લીધા નથી. તંત્ર માત્ર પગલાં લેવા નિવેદન આપી રહ્યું છે.
હરિયાણા સરકારના પ્રધાન ઓમ પ્રકાશે કહ્યું, “અમને મળેલી માહિતી અનુસાર, પંચાયતોએ માફી માંગી છે. વહીવટીતંત્ર આવા લોકો સામે કાર્યવાહી કરશે. અમારી નજરમાં દરેક સમાન છે. કોઈની સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં.”
જોકે હિન્દુત્વ વાદી સંગઠનોના ફરમાનની અસર વર્તાઈ રહી છે. ગુરુગ્રામમાંથી હજારો મુસ્લિમ કામદારો સ્થળાંતર કરી ચુક્યા છે. પરંતુ હજુ સુધી વહીવટી તંત્રએ આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી.










