
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
વન અને પર્યાવરણ રાજય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આજથી શરૂ કરી આગામી ૩૧ ઓગષ્ટ સુધી સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરી વીરોને સમર્પિત જુદા જુદા કાર્યક્રમો યોજાશે ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહુવાસથી વન અને પર્યાવરણ રાજયમંત્રી શ્રી મુકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં વીર શહીદોને નમન સાથે અંજલિ અર્પણ કરીને ‘‘શિલાફલકમ’’નું મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ‘‘શિલાફલકમ’’ના લોકાર્પણ બાદ ‘‘વસુધા વંદન’’ કાર્યક્રમ હેઠળ અમૃત વાટિકામાં ૭૫ જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ‘‘પંચપ્રાણ પ્રતિજ્ઞા’’ લેવામાં આવી હતી. મહાનુભાવો અને ગ્રામજનોએ હાથમાં માટી સાથે સેલ્ફી લઈ દેશના વીર સપૂતોને યાદ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતા, મદદનીશ કલેકટર શ્રી ઓમકાર શિંદે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ, પ્રાયોજના વહિવટદાર શ્રી આન્નદુ સુરેશ ગોવિંદ, આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ ગામીત, આદિજાતિ મોરચા પ્રદેશ મહામંત્રી શ્રી પિયુષ ભાઈ પટેલ, અગ્રણીઓ શ્રી શિવેન્દ્ર સિંહ સોલંકી,, નાયબ વનસંરક્ષકશ્રી ભાવના દેસાઈ સહિતના અધિકારીઓ/ પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



