
ટંકારાના નેકનામ ગામે પાણી ભરવા બાબતે ભેદભાવ મામલે દલિત સમાજમાં રોષ: કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

ટંકારા તાલુકાના નેકનામ ગામે પીવાના પાણીના પરબે પાણી ભરવા ગયેલા અનુસૂચિત જાતિના સગીરવયના બાળક ઉપર જ્ઞાતિનો ભેદભાવ રાખી હુમલો કર્યાના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કલેક્ટરને આવેદન આપી હુમલાખોર તેમજ ગુનો નોંધવામાં બેદરકારી કરનાર પીએસઆઇ તેમજ ડોક્ટર સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કલેક્ટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, ટંકારાના નેકનામ ગામે થોડા દિવસો પહેલા અનુસૂચિત જાતિનો સગીરવયનો મેહુલ ચાવડા નામનો બાળક ગામના પીવાના પરબે પાણી ભરવા ગયો હોય ત્યારે ગામના જ છત્રપાલસિંહ ઉર્ફે સતો ઇન્દુભા ઝાલા નામાના શખ્સે જ્ઞાતિનો ભેદભાવ રાખી બાળક ઉપર ઘાતકી હુમલો કર્યો હતો. ત્યારબાદ બાળકના પરિવારજનો સારવાર અર્થે ટંકારા પ્રથમ લઈ ગયા હોય ત્યાં ડોક્ટરે ફરજમાં બેદરકારી દાખવી બાળકને રીફર કરી દીધો હોવાનો અને આ બનાવની ફરિયાદ નોંધવામાં બેદરકારી ટંકારાના પીએસઆઇએ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં હુમલાખોર તેમજ બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારી અને ડોકટર સામે કાર્યવાહી કરવા તેમજ અન્યત્ર જગ્યાએ પણ અનુસૂચિત જાતિ ઉપર આ રીતે અત્યાચાર થતો હોવાનો આક્ષેપ કરી તમામ બનાવોમાં સીટની રચના કરી તપાસ કરવાની માંગ ઉઠાવી હતી.









