JUNAGADH

સાસણમાં વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એકટનો ભંગ ખુદ વન વિભાગ કરી રહ્યું

ગીર અભયારણ્યમાં સિંહોને તૈયાર મારણ આપીને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમનો વનવિભાગ કરી રહ્યું ભંગ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : દેશની ઓળખસમા એશિયાઈ સિંહો જોવા માટે સાસણ ગીર પાસે આવેલ ગીર અભયારણ્યમાં સફારી ખાતે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સિંહો જોવા માટે આવે છે. આ સફારી રૂટ ઉપર આવતા પ્રવાસીઓને સિંહદર્શન થાય તે માટે વનવિભાગના કર્મચારીઓ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એકટનો ભંગ કરીને સફારી રૂટ આસપાસ સિંહોને તૈયાર મારણ આપવામાં આવી રહ્યા છે, અને આ મારણ સફારી રૂટની આસપાસ ચોક્કસ જગ્યાએ મારણ ને નાખવામાં આવે છે જેથી સિંહો સફારી રૂટ આસપાસ રહે અને પ્રવાસીઓને સિંહ દર્શન થાય.
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ સિંહને ખોરાકની લાલચ આપીને ચોક્કસ જગ્યાએ રોકવા અને આવી રીતે સિંહ દર્શન કરાવવાએ કલમ 9 મુજબ ગુન્હો બને છે, અને આ માટે ગુન્હેગારને 7(સાત) વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. અને આ જોગવાઈનું ઉલ્લંઘન ખુદ વનવિભાગના કર્મચારીઓ કરી રહ્યાની વિગતો બહાર આવી છે.
અભયારણ્યની અંદર રેવન્યુ વિસ્તાર કે બહારના જીવિત કે મૃત પશુને લઈ જવું એ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ નો ભંગ છે. વનવિભાગ દ્વારા અભયારણ્ય આસપાસના વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમાં થયેલ મારણને ત્યાંથી ખસેડીને અભયારણ્ય હેઠળના સફારી રૂટ આસપાસ નાખવામાં આવે છે, અને આવી પ્રવૃત્તિના કારણે સિંહોની શિકાર કરવાની ક્ષમતા ઘટતી જાય છે, અને તેમજ રેવન્યુ વિસ્તારમાં સિંહ-દિપડાઓએ કરેલ પશુઓનું મારણ છીનવી લેવાના કારણે તેઓ આક્રમક બનીને માનવ પર હુમલો કરી બેસે છે અને જેના પરિણામે સિંહ-દિપડાને માનવભક્ષી ગણીને આજીવન કેદમાં મોકલી આપવામાં આવે છે.
વનવિભાગના નિયમો મુજબ અભયારણ્ય બહારના વિસ્તાર, રેવન્યુ વિસ્તારમાં થયેલ મારણને અભયારણ્ય અંદર ખસેડવા બાબતેની કોઈપણ જોગવાઈ ન હોવાનો સ્વીકાર નાયબ વન સંરક્ષકશ્રી ગીર પશ્ચિમ વિભાગ જૂનાગઢ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી ડેડકડી રેન્જ મેંદરડા દ્વારા જાહેર માહિતી અધિનિયમ ની અરજી માં સ્વીકારેલ છે.
ગીર અભયારણ્યના સફારી રૂટની આસપાસ સિંહોને તૈયાર મારણ આપવાના લીધે થયેલ પશુઓના મૃતદેહોના હાડપિંજરોના ઢગલાના ફોટોગ્રાફ સાથે જૂનાગઢના પંકજ રબારીએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી લેખિત ફરિયાદ કરી છે.
સામાન્ય નાગરિક અને માલધારીઓને નજીવી બાબતે દંડ કરતા અને ગુન્હા દાખલ કરતા વનવિભાગના કર્મચારીઓ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવે છે, કે ભીનું સંકેળવામાં આવે છે, એ જોવું રહ્યું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button