
કહ્યું- આમાં વાંક તંત્રનો જ છે, નોટિસ આપ્યા બાદ પણ કામગીરી ન થતા કોઈ કાર્યવાહી ન કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : શહેરમાં ગઇકાલે જર્જરિત ઈમારત જમીનદોસ્ત થતા ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ મામલે હવે જૂનાગઢ મનપાના અધિકારી અને પદાધિકારીઓ આમને સામને આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે પત્રકારો સાથેની વાતચીતમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં તંત્રનો પણ વાંક છે. નોટિસ આપ્યા બાદ દિવસો સુધી પણ કામગીરી કરી નથી આ મામલે આજે સંકલન સમિતિની બેઠક બોલાવી સમગ્ર મામલાની તપાસ માટે મુખ્યમંત્રીને એક પત્ર લખી માંગ કરવામાં આવી છે.
એક જ પરિવારના ત્રણ લોકો સહિત ચારના મોત થયા હતા શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી જર્જરિત ઈમારત સોમવારે બપોરના સમયે ધરાશાયી થઈ હતી. જેમાં એક જ પરિવારના ત્રણ લોકો સહિત કુલ ચાર લોકો કાટમાળ નીચે દબાઈ જતા તેના મૃતદેહ જ બહાર આવ્યા હતા.
જૂનાગઢ મનપા દ્વારા ચોમાસા પૂર્વે જ શહેરમાં આવેલી જર્જરિત ઈમારતોને સલામત પરિસ્થિતિ પર લાવવા માટે નોટિસો ઈસ્યુ કરવામાં આવી હતી. કડિયાવાડ વિસ્તારમાં જે ઈમારત જમીનદોસ્ત થઈ અને ચાર લોકોની જિંદગી ગઈ તે ઈમારતને પણ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ, નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું બહાર આવતા હવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે જર્જરિત ઈમારતોને દૂર કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે.
જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર અને ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં ક્યાંકને ક્યાંક તંત્રનો પણ વાંક છે. કારણ કે, નોટિસ આપ્યા બાદ પણ દિવસો સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. સાથે ડે. મેયરે પોતાની વાતમાં ઉમેર્યું હતું કે, આજે સંકલન સમિતિની બેઠક બોલાવી હતી. જેમાં આ મામલે તપાસ સમિતિની રચના કરી તપાસ માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયરે કમિશનર રાજેશ તન્નાના વર્તનને લઈ નારાજગી વ્યકત કરી હતી અને સરકારમાં રજૂઆત કરવાની વાત પણ કરી હતી. આ મામલે કમિશનરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ, સંપર્ક થઈ શક્યો ન હતો.
ઘટનાસમયે પણ ધારાસભ્ય અને કમિશનર વચ્ચે બોલાચાલી થઈ હતી.
જૂનાગઢના કડીયાવાડ વિસ્તારમાં સોમવારે જ્યારે ઈમારત ધરાશાયી થઈ ત્યારે પણ બનાવ સ્થળ પર જેસીબી આવવાને લઈ ધારાસભ્ય સંજય કોરડિયા અને કમિશનર વચ્ચે ચકમક ઝરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.




