
તા.૨૨/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટમાં શ્રી અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે દિવ્યાંગ બાળકોનો ટેલેન્ટ શો “સ્નેહ સ્પર્શ” યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો માટે કામ કરતી ૧૦થી વધુ સંસ્થાના વિવિધ કક્ષાના દિવ્યાંગ બાળકોએ રજૂ કરેલી પ્રભાવશાળી કૃતિઓએ ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. ખાસ કરીને ડૉ. પી.વી. દોશીની પ્રિય રચના “કાન અવાજ ઝંખે છે”ને વિરાણી મૂક બધિર શાળાના બાળકોએ રજૂ કરી, ત્યારે લોકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા. જે સંગીતના તાલે બાળકીઓ લયબદ્ધ કૃતિઓ રજૂ કરતી હતી, એ સંગીતને બાળકીઓ પોતે જ સાંભળી શકતી નહોતી. ઓડિયન્સ વચ્ચે ઊભા રહીને મહિલા શિક્ષકના ઇશારે બાળકીઓએ નૃત્યના વિવિધ સ્ટેપ્સ રજૂ કર્યા હતા, તો પ્રજ્ઞાચક્ષુ બાળકીઓએ “અડકો દડકો” કૃતિ રજુ કરી હતી, આ સમયે બાળકીઓ સાથી બાળકીઓના સ્ટેપ્સ જોઈ નહોતી શકતી, આમ છતાં સુંદર સંકલનથી સરસ કૃતિ રજુ કરતા લોકો આનંદ સાથે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ તકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિવિધ દિવ્યાંગતા છતાં બાળકોએ સુંદર કૃતિઓ રજૂ કરી છે. એ જોઈને આપણે કોઈ પણ સંજોગોમાં આગળ વધતા શીખવાનું છે. દિવ્યાંગ બાળકોનો ઉછેર યોગ્ય, પ્રોત્સાહક, પ્રેમ અને હૂંફભર્યા વાતાવરણમાં થાય તેવો માહોલ સર્જાવા પર તેમણે ભાર મુકતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ કોઈ પણ સંજોગોમાં આગળ વધતા શીખવ્યું છે. ગુજરાત સરકારે પણ દિવ્યાંગો માટે અનેક યોજનાઓ શરૂ કરી છે, તેમજ પ્રોત્સાહન આપવા અને તેઓના વિકાસ માટે શિબિરો કરતા હોવાનું પણ ઉમેર્યું હતું.

આ તકે રાજકોટના ધારાસભ્ય સુશ્રી દર્શિતાબહેન શાહે જણાવ્યું હતું કે, સંઘના ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક તથા દેશના જાણીતા દાંતના ડો. શ્રી પી.વી. દોશીને દિવ્યાંગ બાળકો માટે ખૂબ પ્રેમ હતો. સમાજના દિવ્યાંગ બાળકોને સ્નેહ, પ્રેમ અને પ્રોત્સાહન મળે તે હેતુથી તેમણે મૂક બધિર શાળાની શરૂઆત કરી હતી. રાજકોટને રૂપિયા ૧૦૩ કરોડની સહાય આપવા બદલ ધારાસભ્ય ડૉ. શાહે મુખ્યમંત્રીશ્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
તેમણે ગુજરાતમાં જન્મતા મુકબધિર બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ તેમજ ૧૦૦થી વધુ સ્પીચ થેરાપી નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવા તેમજ કોકલિયર ઇમ્પ્લાન્ટના મેઇન્ટેનન્સને પણ આયુષ્માન યોજનામાં સમાવવા બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર પ્રકટ કર્યો હતો.
સંસ્થાના ડૉ. વલ્લભભાઈ કથીરીયાએ શાબ્દિક પ્રવચન અને આભારવિધિ કલ્પક મણિયારે કરી હતી.
આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી સુશ્રી ભાનુબહેન બાબરીયા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટિલાળા, મેયર ડૉ. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયરશ્રી કંચનબહેન, અગ્રણીશ્રી ભરત બોઘરા, શ્રી મુકેશ દોશી, જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી, પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, જૈન મુનિશ્રી જે.પી. ગુરુદેવ, સામાજિક સંસ્થાના શ્રેષ્ઠીશ્રી અજય શેઠ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.








