
વિદેશી દારૂના ૧૪ જેટલા ગુનામાં સંડોવાયેલ રાજકોટના બુટલેગર પાસા તળે જેલહવાલે કરતી મોરબી એલસીબી
મોરબી જીલ્લામાં પ્રોહીબીશન ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે મોરબી SP રાહુલ ત્રિપાઠીએ પાસાની કલમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. જેને પગલે મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટે આવા ઇસમોનું પાસા વોરંટ ઇશ્યુ કરતાં એલ.સી.બી. પોલીસની ટીમ દ્વારા આવા ઇસમોની અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેને અનુસંધાને એલ.સી.બી. પોલીસના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસકર્મીઓ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હતી. અને તેઓ પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નશીલ હતાં.

જેમાં મોરબી એલ.સી.બી. પોલીસ દ્વારા રાજકોટની કિર્તિધામ સોસાયટી, શેરી નં.-૦૧, ભવાનીચોક, દેવપરા મેઇનરોડ પર રહેતા બુટલેગર ધવલ ઉર્ફે શિવ બકુલભાઇ વડનગરાની અટકાયત કરવામાં આવી હતી. આરોપી ધવલ રાજકોટ શહેરનો લીસ્ટેડ બુટલેગર છે અને વિદેશી દારૂના ૧૪ જેટલા ગુન્હામાં તેનું સંડોવણી ખૂલી હતી. એટલું જ નહિ તે અગાઉ વડોદરા તથા અમદાવાદ ખાતે પાસા તળે ડિટેઇન થયો હતો. ત્યારે મોરબી એલ.સી.બી. પોલીસે તેની રાજકોટ ખાતેથી તા.૨૧/૦૭/૨૦૨૩ના રોજ પાસા એકટ તળે અટકાયત કરી હતી અને તેને ડીટેઇન કરી અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.








