
તા.૧૯/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ભારતની પરંપરાગત ખેતપેદાશો અને શ્રી અન્ન (મિલેટસ)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા વર્ષ ૨૦૨૩ “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ” તરીકે ઉજવાઈ રહ્યું છે. આ અંતર્ગત વધુમાં વધુ લોકો સુધી મિલેટસ તથા તેમાંથી બનતી પોષણયુકત વાનગીઓ વિશેની જાગૃતિ કેળવાય તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ વિવિધ વાનગી સ્પર્ધા યોજવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા કક્ષાની મિલેટ વાનગી સ્પર્ધા જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા જિલ્લા પંચાયત ખાતે યોજવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આશરે ૩૬ સ્પર્ધકોએ મિલેટ્સની વિવિધ વાનગી જેવી કે જુવાર – બાજરાનો હાંડવો, બાજરાના લોટનાં પુડલા, સાંબાની ઈડલી- ઢોકળા, કાંગના ઉપમા અને કાટલું, મુઠીયાના પિઝા, સામાના ઢોસા, રાજગરાની રબડી, મિલેટ્સ ઘેવર, રાગીના ઉતપ્પમ, જુવાર બાજરીનું ઉતપ્પમ, રાગી ઢોસા, મકાઈનો હાંડવો, મિલેટ્સ થાળ, ખજૂર રાગીની મીઠાઈ જેવી વિવિધ વાનગીઓ બનાવી પ્રદર્શન પણ યોજ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ નિર્ણાયકો દ્વારા વિવિધ વાનગીઓ ચાખીને વાનગીનો સ્વાદ, તેને બનાવવાની પદ્ધતિ, પોષણમૂલ્ય, બનાવવામાં લાગતો સમય, બનાવવાની સરળતા વગેરેના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમજ શ્રેષ્ઠ ત્રણ વાનગીઓ બનાવનારને ઈનામ તેમજ અન્ય તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ પ્રસંગોચિત ઉદબોધન કરીને તમામ સ્પર્ધક કર્મચારીઓને બિરદાવ્યા હતા.

આ આયોજન અંતર્ગત નિર્ણાયક તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશભાઈ કાલરીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી અવનીબેન દવે, જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડીનાબેન સોનગ્રા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડ, જિલ્લા આરોગ્ય વહીવટી અધિકારી ડી.પી. ગોંડલિયા જોડાયા હતા. આ તકે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ગીતાબેન ટિલાળા, આઇ.સી.ડી.એસ.ના રાજકોટ ઝોનના નાયબ નિયામકશ્રી પૂર્વીબેન પંચાલ, પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રીબેન નાથજી ઉપસ્થિત રહ્યા હતા.








