
તા.૧૭/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લામાં આવેલા યાત્રાધામ વીરપુરમાં બસસ્ટેન્ડથી મંદિરને જોડતો ૬૦ લાખના ખર્ચે સિમેન્ટ રોડ બની રહ્યો છે. જેમાં આજે વરસાદ ચાલુ હોવા છતાં રોડ પર સિમેન્ટ કોંક્રેટનો માલ પાથરવામાં આવી રહ્યો હતો. ચાલુ વરસાદે રોડ બને તો તેની ગુણવત્તા સામે પણ સવાલ ઉભા થયા છે ? જેથી સ્થાનિકોએ આ ધોવાય ગયેલ રોડ ફરી બનાવવા માંગ કરી હતી.

બે છાંટા વરસાદના પડે તે સાથે રોડ તૂટી જવા તે વાત સામાન્ય બની ગઈ છે, કેમ કે રોડ પેલાંથી જ નબળી ગુણવત્તાનો ભ્રષ્ટાચારયુક્ત હોય છે. ત્યારે યાત્રાધામ વીરપુરમાં પણ આજે રોડના કામમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. વીરપુરમાં બસસ્ટેન્ડ,હાઈવે થી પૂજ્ય જલારામ બાપાના મંદિર સુધીનો ૬૦ લાખના ખર્ચે સિમેન્ટ રોડ બની રહ્યો છે. આ સિમેન્ટ રોડનું કામ આજે ચાલુ વરસાદે પણ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવાનું ચાલુ જ હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયા “ચાલુ વરસાદે વિકાસ” તેવા સ્લોગન હેઠળ વાયરલ થયો હતો.

આ રોડ અંગે સ્થાનિક લોકોએ જણાવેલ કે, વિસ વર્ષ પછી અહીં રોડ બની રહ્યો છે. જેમાં પેલાંથી જ સિમેન્ટ ઓછી નાખવામાં તો આવી જ રહી છે ઉપરથી ચાલુ વરસાદે રોડનું કામ ચાલુ હોવાથી સિમેન્ટ, કોંક્રેટ તેમજ રેતીના મટીરીયલ્સમાં બધી સિમેન્ટ ધોવાઈને વહી જતી જોવા મળતી હતી. અને વરસાદ રહી ગયા બાદ રોડ ધોવાય ગયેલ નજરે પડતો હોવાનું જણાવી હવે રોડ કેવો બનશે તેવા સવાલ ઉઠાવ્યા હતાં. અને થોડા સમયમાં જ રોડ પેલા હતો તેવો ખાડાખબડાવાળો થઈ જશે અને નવા રોડ માટે ફરી વિસ વર્ષનો ઈંતઝાર કરવો પડશે તેવા નિસાસા નાખ્યા હતાં તેમજ રોડની કામગીરી વ્યવસ્થિત થાય તેવી માંગ કરી હતી.
બૉક્સ:01:- યાત્રાધામ વીરપુરમાં હાઈવે પરથી પૂજ્ય જલાબાપાની જગ્યા સુધીનો આ સીસી રોડ 60 લાખ રૂપિયાની માતબર રકમનો બનાવવામાં આવી રહ્યો છે પરંતુ આ રોડ પર કોઈપણ સરકારી ઈજનેર કે RMB ના કોઈ પણ અધિકારીઓ હાજર રહેતા નથી જેમને લઈને રોડની કામગીરી નબળી થઈ રહી છે તો શું RMB તેમજ સ્થાનિક રાજકીય આગેવાનોએ કોન્ટ્રાક્ટર પાસેથી મસ મોટી રકમની મલાઈ મળી ગઈ છે!? તેવી લોકમુખે ચર્ચાઓ જાગી છે.
બોક્સ:02:- આ અંગે PWD ના ડેપ્યુટી ઈજનેર વત્સલ પટેલને ટેલિફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યું કે આ રોડ હું જોવડાવી લઈશ તેવો જવાબ આપી પોતાની જવાબદારી માંથી હાથ ઊંચા કરી દીધા હતા.
બોક્સ:03:- ચાલુ વરસાદે સીસી રોડ બનાવતાનો વાયરલ વીડિયો અંગે રાજકોટ ડીડીઓ દેવ ચૌધરી ને ટેલિફોનિક પૂછતાં તેમણે પણ હાલ RMB ના તમામ રોડના કામ બંધ છે અને આ વીરપુરના સીસી રોડનો વિષય અમારો છે જ નહિ તેવો જવાબ આપી પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી લીધા હતા.








