
આસીફ શેખ લુણાવાડા
વાવકૂવા વન વિસ્તારને વધુ હરિયાળો બનાવવા માટે મહીસાગર વન વિભાગની પહેલ
ખાનપુર વન વિભાગ દ્વારા ડ્રોન ટેક્નોલોજી થકી એરિયલ સિડીંગ કરીને વનને રમણીય બનાવવા તરફની પહેલ
વાવકૂવા ખાતે અંદાજે ૦૩ હેકટર વિસ્તારમાં ડ્રોન થકી વિવિધ વૃક્ષોના બીજનો છંટકાવ
રાજ્ય સરકારના સઘન પ્રયત્નો થકી ઘનિષ્ઠ વનીકરણને લઈને વિવિધ ટેકનોલોજીના માધ્યમ દ્વારા બીજનું વાવેતર અને વિતરણ કરવામાં આવી રહ્યું છે,ત્યારે મહીસાગર વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારને હરિયાળો બનાવવા અનેક પ્રયત્નો હાથ ધરાયા છે.

મહીસાગર વન વિભાગ દ્વારા ખાનપુર તાલુકાના વાવકૂવાના ત્રણ હેકટર વન વિસ્તારને હરિયાળો બનાવવા ઘનિષ્ઠ વનીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વરસાદી ઋતુમાં વધારે વૃક્ષો વાવી શકાય તે માટે ડ્રોન ટેક્નોલોજી થકીવાવકૂવા ખાતે એરિયલ સિડીંગ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા નાયબ વન સંરક્ષક એન વી ચૌધરી (ડી.સી.એફ)ના માર્ગદર્શનમાં મહિસાગર વન વિભાગ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાવકૂવા વન વિસ્તારના દુર્ગમ વિસ્તારોમાં વિવિધ પ્રકારના વૃક્ષોના બીજનો છંટકાવ હાથ ધર્યો છે.
આ અંગે ખાનપુર રેન્જ ફોરેસ્ટ અધિકારી ડી. વી સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વાવકૂવા જંગલ વિસ્તારમાં આધુનિક પદ્ધતિ ડ્રોન દ્વારા જુદી જુદી જાતોના બિયારણ જેવા કે ખેર, વાસ, ખાખરો, બોર, સાગ વિગેરે વૃક્ષોના જાતોના ૪૦ કિલો બિયારણના બીજનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દુર્ગમ વિસ્તારોમાં જ્યાં માણસે પહોંચવું મુશ્કેલ હોય ત્યાં સરળતાથી અને ઝડપી વૃક્ષારોપણ કરવામાં આ લૉ કોસ્ટ ટેક્નોલોજી ખૂબ ઉપયોગી નીવડી રહી છે ભવિષ્યમાં આ કિંમતી જાતોને સંરક્ષણ પૂરું પાડવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે અને ડુંગરને રળીયામણો અને હરિયાળો બનાવવામાં આવશે








