
તા.૧૫/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
મહિલાઓના સન્માન અને સુરક્ષા ક્ષેત્રે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલીકૃત છે. ખાસ કરીને મહિલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરીને સ્ત્રીને વ્યક્તિગત અને સામાજિક રીતે સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે. ત્યારે રાજકોટની અભયમ ટીમે શહેરના રસ્તા ઉપર ફરતા નિ:સહાય વૃદ્ધાની મદદ કરીને સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો.

આ અંગે વધુ વિગતવાર માહિતી આપતા ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર શ્રી શીતલબેન પરમારે જણાવ્યું હતું કે, એક જાગૃત નાગરિકે નિ:સહાય વૃદ્ધાને જોતા અભયમ ટીમનો સંપર્ક સાધ્યો હતો. જાણ થતાંની સાથે જ કોન્સ્ટેબલશ્રી વંદનાબેન અને ડ્રાઈવરશ્રી કિર્તીદાનભાઈ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, વૃદ્ધાની ઉંમર આશરે ૬૦ વર્ષની હતી. ઘણા સમય પહેલા તેમના પતિએ તેમને છોડીને બીજા લગ્ન કર્યા હતા. આ દુઃખ તેમના માટે અસહ્ય બનતા તેમની માનસિક સ્થિતિ કથળી હતી અને રસ્તા પર ફરતા હતા.
અભયમ ટીમે વૃદ્ધાને ઘર વિશે પુછતા કોઈ સચોટ જવાબ ન મળતાં તેમને યોગ્ય આશ્રય મળી રહે તે માટે “બા નું ઘર” વૃધ્ધાશ્રમમાં આશ્રય અપાવ્યો હતો. આમ, ૧૮૧ અભયમ ટીમ અને ‘શી’ ટીમના સહકારથી વૃદ્ધ મહિલાને સુરક્ષિત આશ્રય મળ્યો હતો.








