JETPURRAJKOT

ઇ-ગ્રામ સેન્ટર થકી તાલુકામથકે ગયા વિના ગામમાં જ ઉપલબ્ધ બની સરકારી સેવાઓ

તા.૮/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લામાં કુલ ૫૫ અદ્યતન સુવિધાયુક્ત સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર

ઇ-ગ્રામ સેન્ટર ખાતે મેળવી શકાય છે આશરે ૫૫ જેટલી વિવિધ સરકારી સેવાઓનો લાભ

ગ્રામ્ય નાગરિકોને સરકારી કામકાજને લગતી ઓનલાઇન સુવિધાઓ ગામમાં જ આપીને વિકાસમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ અને શહેરી – ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું ટેકનોલોજીકલ અંતર દૂર કરી ગ્રામ્ય નાગરિકોને સશક્ત કરીને તેમની ભાગીદારી વધારવાના હેતુથી “ઇ-ગ્રામ વિશ્વગ્રામ” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ગ્રામ પંચાયત સ્તરે જરૂરી પ્રાથમિક માળખાગત સુવિધાઓ આપીને સરકારની તમામ ઓનલાઇન સેવાઓ પુરી પાડવા માટેનો એકમ સ્થાપવામાં આવે છે.

આ યોજના હેઠળ સ્થપાયેલા ઇ-ગ્રામ સેન્ટરોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, પ્રિન્ટર, સ્કેનર, વેબકેમેરા અને ફિંગરપ્રિન્ટ ડીવાઇસ સહિતની સુવિધાઓ હોય છે તેમજ સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટરોમાં કલર પ્રિન્ટર, લેમિનેશન, પીવાનું આર.ઓ. પાણી, બેસવાની સુવિધા, જુદી-જુદી અરજીઓ માટે અલગ-અલગ બુથ જેવી વિશેષ સુવિધાઓ હોય છે. ગ્રામીણ યુવાનોને સ્વરોજગારીની તક મળે, તે માટે આ યોજનાનું સેન્ટર પી.પી.પી. ધોરણે સ્થાપવામાં આવે છે અને અરજદારો દ્વારા થતી અરજીઓની સંખ્યા મુજબ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોરને પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. આ સેન્ટર સ્થાપવા માટે જે-તે ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવે છે. આ સેન્ટર દ્વારા સરકાર અને નાગરિકો વચ્ચેની સેવાઓ પુરી પાડવામાં આવે છે.

સરકાર દ્વારા તમામ વિભાગો અને નિગમો સાથે સંકલન સ્થાપીને ઇ-ગ્રામ સેન્ટરો ખાતે તમામ સુવિધાઓ પુરી પાડવા અને યોજનાના અસરકારક અમલીકરણ માટે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. ઇ-ગ્રામ સેન્ટરના સુચારૂ વ્યવસ્થાપન માટે ટેકનિકલ સપોર્ટ એન્ડ ટ્રેનિંગ સર્વિસ પ્રોવાઇડર નિયુક્ત કરવામાં આવે છે, જે સેન્ટરની નિયમિત માસિક મુલાકાત, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ઇન્ટરનેટ જોડાણ, સાધનોની દેખરેખ, નવી સુવિધાઓ માટે વી.સી.ઈ.ને ટ્રેનિંગ, પ્રિન્ટર વગેરે સાધનો માટે જરૂરી વસ્તુઓ પુરી પાડવા માટે સંકલન, રીપોર્ટીંગ વગેરે કામગીરી કરે છે.

ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ્ય કક્ષાએ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ડીજીટલ સેવા સેતુ ઉપક્રમ અંતર્ગત ઇ-ગ્રામ સેન્ટરોમાં જુદી જુદી ૫૫ પ્રકારની સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે, જેનાથી ગ્રામીણ લોકોએ તાલુકા મથકે જવાની જરૂર પડતી નથી અને પોતાના ગામમાં જ સરકારી સુવિધાઓ મળી રહે છે. જેથી, વારંવાર યોજનાનો લાભ મેળવવા કે દસ્તાવેજ કઢાવવા માટે ગામથી પ્રવાસ કરીને તાલુકા પંચાયત કચેરી સુધી જવાની ગ્રામીણ પ્રજાની તકલીફ દૂર થઇ છે. ગ્રામ્ય નાગરિકો પોતાના ગામમાં જ રેશનકાર્ડ, સરકારી યોજનાઓ, વિવિધ પ્રમાણપત્રો, વીજળીનું બીલ, ટીકિટ બુકિંગને લગતી સેવાઓ નજીવો સર્વિસ ચાર્જ આપીને મેળવી શકે છે.

ઈ -ગ્રામ કેન્દ્રના લીધે કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણની ક્ષિતિજો વિસ્તરી છે. ગ્રામ પંચાયતો તમામ યોજનાઓનો લાભ પહોચાડવાના કેન્દ્ર તરીકે ઉભરી આવી છે. ગ્રામીણ સ્તરે માહિતી એકત્રીકરણ કેન્દ્ર તૈયાર થયા છે અને ગ્રામજનોની સુવિધામાં વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં તમામ ગામોમાં ઇ- ગ્રામ સેન્ટરો કાર્યરત છે. ઉપરાંત, રાજકોટ જિલ્લામાં કુલ ૫૫ અદ્યતન સુવિધાયુક્ત સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટરો આવેલાં છે.

ઇ-ગ્રામ સેન્ટરોમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ હેઠળ રેશનકાર્ડનું સોગંદનામું, નામ ઉમેરવા, ડુપ્લિકેટ રેશનકાર્ડ, નવા રેશનકાર્ડ, કાર્ડમાં સુધારો, નામ બદલવા, નામ રદ કરવા સહિતની અરજીઓ, ગૃહ વિભાગ અંતર્ગત વાંધા પ્રમાણપત્ર, ઘરઘાટી, ડ્રાઇવર, ભાડુઆતની નોંધણી, એફ.આઇ.આરની નકલ, પોલીસ ચકાસણી પ્રામાણપત્ર, સિનિયર સિટીઝન નોંધણીની અરજી, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત આવક અંગેનું સોગંદનામું, આવકનો દાખલો, વરીષ્ઠ નાગરિક તેમજ અધિનિવાસ પ્રમાણપત્રની અરજીઓ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ અંતર્ગત નવો પાસ, ટિકિટ બુકિંગ કે રદ કરવા, મુસાફર પાસ રીન્યુ માટે અરજીઓ, મહેસૂલ વિભાગ અંતર્ગત ઇ-ચલન, હકપત્રક ગામ નમુના નં. ૬, ગામ નમુના નં. ૭, ૮ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરી શકાય છે.

ઉપરાંત, મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિધવા સહાય આવક સોગંદનામુ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના, વહાલી દીકરી યોજના, વિધવા હોવા અંગે પ્રમાણપત્રની અરજી, સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થીક સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટમોચન) યોજના, દિવ્યાંગ પાસ યોજના, સંત સુરદાસ યોજના, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના, જાતિ અંગે સોગંદનામું, ભાષાકીય, ધાર્મિક લઘુમતી, વિચરતી વિમુક્ત જાતિ, બિનઅનામત વર્ગોના પ્રમાણપત્ર, સમરસ છત્રાલય પ્રવેશની અરજી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત જન્મ, મૃત્યુના પ્રમાણપત્રની અરજી, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અંતર્ગત વીજ બિલ ચુકવણી કરી શકાય છે. તેમજ બિઝનેસ ટુ કસ્ટમર (બીટુસી) સેવાઓ અંતર્ગત રેલવે, એરલાઇન, બસ ટીકિટ બુકિંગ, ટેલિફોન, મોબાઇલ, ડી.ટી.એચ., ગેસના બિલ પેમેન્ટ તથા વીમા, બેંકિંગ સેવાઓ આપવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button