નવસારી: બુટલાવ ગામના રોબીનભાઇ પટેલ છ વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી લાખો રૂપિયાનો નફો મેળવ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
નાના ખેડુતો માટે પ્રાકૃતિક ખેતી બની વરદાન, ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો- ડબલ ફાયદા
ગામના તથા જિલ્લાના અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડે છે
રાસાયણિક ખાતરથી તૈયાર થતી ખેત-પેદાશોની આડ અસરોથી આજે સૌ કોઈ પરીચિત છે. જેની સામે પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ બને, ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને ખેત-પેદાશોની આરોગ્ય ઉપર નહિવત નકારાત્મક અસરો છે.
નવસારી તાલુકાના બુટલાવ ગામના રોબીનભાઇ પટેલે તેમના ખેતરની છ વિઘા જમીનમાં ચીકુવાડી, લીલી, બહુવર્ષીય આંબા, લીલી ચા, ફોદીનો, ગલબેલ, હળદર, સતાવરી, નાઇની પ્રાકૃતિક ખેતી કરી લાખો રૂપિયાનો નફો મેળવે છે.
બુટલાવ ગામના રોબીનભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ટેકનોસેવી ખેડૂતશ્રી ગોપાલભાઇ સુતરીયાના વીડીયો જોઇને પ્રાકૃતિક ખેતી તરફ જવાની પ્રેરણા મળી અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શનથી છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ. દાંડી ખાતે ત્રણ દિવસની પ્રાકૃતિક ખેતીની શિબિરમાં ભાગ લીધો હતો.
વર્ષોથી સામાન્ય પદ્ધતિથી ખેતી કરતા રોબીનભાઇના પરિવાર માટે પ્રાકૃતિક ખેતી તરફ વળી વધુ ઉત્પાદન કરતી ખેતી કરવી એક પડકાર સમુ હતું. પરંતુ નવસારી જિલ્લા, આત્મા ટીમના સતત સહયોગ, તાલીમ અને માર્ગદર્શન તેમજ સરકારની પ્રાકૃતિક ખેતીની યોજનાઓનો લાભ લઈને આજે રોબીનભાઈ સફળતાપુર્વક પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. તાલુકા કક્ષાએ વર્ષ ૨૦૨૧-૨૨માં બેસ્ટ ફાર્મરનો એવોર્ડ મેળવ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ (આઇ.સી.એ.આર.)દ્વારા સમગ્ર દેશમાંથી ૭૫ ખેડૂતોને ભોપાલ ખાતે બોલાવ્યા હતા તેમાં તેઓ હાજર રહી નવસારી જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યુ હતું. તેઓ ગામના તથા જિલ્લના અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન પૂરૂ પાડી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાની વાત કરતા શ્રી રોબીનભાઈ જણાવે છે કે અગાઉ તેમને રાસાયણિક ખાતરનો ખૂબ જ ખર્ચ થતો હતો. પોતાની ફક્ત છ વિઘા જમીનમાં ઉંચા ખર્ચે વધુ ઉત્પાદન કરવું લગભગ અશક્ય માલુમ પડતું હતું. પણ હવે પ્રાકૃતિક ખેતીથી તેઓ ખેતીમાં વધુ ઉત્પાદન કરી બમણી આવક કમાતા થયા છે. રોબીનભાઈને પ્રાકૃતિક ખેતી માટે જરૂરી ત્રણ મોટી ગાય, ત્રણ વાછરડી ધરાવે છે.જેનાથી ખેતી સાથે સાથે તેઓ પશુપાલન પણ યોગ્ય રીતે કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટે વિવિધ તાલીમ આપવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને તેમની ખેત-પેદાશો માટે યોગ્ય વેચાણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
કહેવાય છે કે પરિવર્તનની તો દરેકને અપેક્ષા હોય છે પણ કોઈ સાહસિક માણસ તેની શરૂઆત કરે એવી સૌ કોઈ રાહ જુએ છે. આજે રોબીનભાઈની સફળ ખેતીના પરિણામો જોઈને બુટલાવ ગામના તેમજ આજુબાજુ ગામના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આ ખેડૂતોને સોશિયલ મીડીયા અને રૂબરૂ ખેતીમાં થતા અવનવા પ્રયોગો વિશે સતત માહિતગાર અને માર્ગદર્શન આપવાનું સરાહનીય કાર્ય રોબીનભાઈ કરી રહ્યા છે.



