
છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરે હાર્ટએટેક આવવાના બનાવોમાં વધારો થયો છે, તો રાજકોટમાં પણ હાર્ટએટેકના કારણે વિદ્યાર્થીનું મોત નિપજ્યું હોવાની અઠવાડિયામાં બીજી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં SGVP ગુરુકુળમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હાર્ટએટેક આવતા મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા આપતા બેભાન થતા તેને તુરંત સારવાર માટે લઈ જવાયો હતો, જોકે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું.
રાજકોટની SGVP ગુરુકુળમાં એક ગંભીર ઘટના બની હતી, જેમાં એક વિદ્યાર્થીનું હાર્ટએટેક આવતા મૃત્યુ નિપજ્યું છે. આ વિદ્યાર્થીનું નામ દેવાંશ ભાયાણી હોવાનું સામે આવ્યું છે. અહીં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી દેવાંશ સ્ટેજ પર સ્પીચ આપી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક બેભાન થઈ ગયો હતો. વિદ્યાર્થી નીચે પડતાં જ તુરંત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીને બેભાન હાલતમાં તુરંત ખાનગી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જોકે દેવાંશને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ આ ઘટના અંગે વિદ્યાર્થીના મૃતદેહને PM અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.









