
તા.૧/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સતત વરસતા ભારે વરસાદનાં પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલો મોજ ડેમ ઓવરફ્લો થઈ જતાં ડેમનાં ૨૭ દરવાજા ખોલવામાં આવ્યા હતા. પાણીનાં સતત પ્રવાહના કારણે મોજ ડેમ પાસે મોજીરા ગામથી ભાંખ તથા કલારિયા ગામ તરફ જતા ડેમની હેઠવાસમાં આવતા બેઠા પુલનો રસ્તો ધોવાઇ જતાંની જાણ થતા તુરત જ આ રસ્તાનું સમારકામ વહીવટીતંત્ર દ્વારા સત્વરે હાથ ધરવામાં આવ્યું હતું.


ડિઝાસ્ટર નાયબ મામલતદારશ્રી એમ. બી. જાડેજાએ જણાવ્યું હતું કે, ઉપલેટા મામલતદારશ્રી એમ. ટી. ધનવાણીના માર્ગદર્શન હેઠળ નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી નીરવ એ.પટેલની સુચના મુજબ માર્ગ અને મકાન વિભાગ પંચાયત, ઉપલેટા પેટા વિભાગ દ્વારા સમારકામ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ પૂરતી આ પુલ પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે. રસ્તો રીપેર થયે અવરજવર ત્વરિત શરૂ કરી દેવામાં આવશે. વૈકલ્પિક રસ્તા તરીકે મોજીરાથી ભાયાવદર – અરણી – સાજડિયાળી થઈને જઈ શકાશે.









