KHERGAMNAVSARI

ખેરગામ:ખેરગામમાં બાપ બન્યો હેવાન પતિ-પત્નિ વચ્ચે થયેલ ઝઘડાએ નિર્દોષ પુત્રનો ભોગ

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

ખેરગામ: ખેરગામમાં સાંસારિક ખટરાગ અપરાધના દ્વાર ઉપર આવીને ઊભો રહી ગયો હતો, જેમાં પિયરથી પુત્રને લેવા સાસરે આવતી પત્નીને રસ્તામાં મળેલા પતિએ પુત્રની જ નજર સામે આડેધડ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ઘટનામાં પિતાના રક્તરંજીત હાથ જોઈ ડઘાઈ ગયેલી પુત્રી દોડીને ભાગી ગઈ હતી. એ બાદ પિતા મોટરસાઇકલ લઈ ત્યાંથી છૂ થઈ ગયો હતો. માતાને લોહીલુહાણ હાલતમાં જોઈને પુત્રીએ 100 નંબર ઉપર ડાયલ કરી પોલીસને જાણ કરી હતી. બાદ માતાને સારવાર અર્થે ખેરગામની રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ તરફ પત્નીને ચપ્પુના ઘા ઝીંકી પતિ ઘરે આવી ગયો હતો. એ બાદ 14 વર્ષના પુત્રને લઈને ઘરેથી નીકળી ગયો હતો. આથી એકાએક ઘરેથી પૌત્રને લઈ જતા જોઈ દાદીને શંકા ગઈ હતી. અને પાછળ પાછળ દોડી હતી. દરમિયાન નજીકમાં આવેલા એક કૂવા પાસે પુત્ર અને પૌત્રને જોયા હતા. જ્યાં પહોંચે એ પહેલાં જ દાદીની નજર સામે પૌત્રને તેના જ પિતાએ ધક્કો મારી કૂવામાં ફેંકી દીધો હતો. એ જોઈ દાદીએ બૂમાબૂમ કરી મૂકી હતી. અને ગભરાયેલા પિતાએ કૂવામાં ઝંપલાવી દીધું હતું. એ પછી દાદી પણ કૂવામાં કૂદી પડી હતી. એ અરસામાં કેટલાક લોકો દોરડું લઈ મદદે દોડી આવ્યા હતા. અને દાદીએ પૌત્ર સાથે દોરડું પકડી લીધું હતું. દરમિયાન બીજું દોરડું નાંખતાં પિતા બહાર નીકળીને ભાગી છૂટ્યો હતો. આ તરફ વધુ ઉંમરને કારણે દાદીના હાથમાંથી પૌત્ર છૂટી જતાં તે ડૂબી ગયો હતો. દરમિયાન તેની લાશને બહાર કાઢી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી હતી.
સાંસારિક જીવનમાં નાની નાની વાતોમાં થતાં ખટરાગ ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. એકમેક સામે નહીં ઝૂકવાની આદતને કારણે ક્યારેક સાંસારિક માળો વિખેરાઈ જાય છે. જ્યાં માત્ર પસ્તાવા સિવાય કશું બચતું નથી. આવી જ એક ચોંકાવનારી ઘટના ખેરગામ તાલુકામાં પ્રકાશમાં આવી હતી. ખેરગામના પોમાપાર ફળિયામાં રહેતા જગદીશ રસિક પટેલ (ઉં.વ.40) અને પત્ની પિનલ (ઉં.વ.35)એ પ્રેમલગ્ન કર્યાં હતાં. અને બંનેના હસતા રમતા પરિવારમાં બે સંતાન પુત્ર જય (ઉં.વ.14) અને પુત્રી…….(ઉં.વ….)નું સુખ પ્રાપ્ત થયું હતું. શરૂઆતમાં બધુ બરાબર ચાલતું હતું. પરંતુ બંને વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડો થતાં છેલ્લા ત્રણ માસથી પત્ની પિનલ પોતાના પિયર ભૈરવી ગામના તાડ ફળિયામાં રહેતી હતી. અને પુત્ર પણ ક્યારેક પિતાને મળવા આવતો હતો. દરમિયાન રવિવારે પિનલ પુત્રી સાથે સાસરે રહેતા પુત્ર જયને લેવા માટે આવી રહી હતી. દરમિયાન રસ્તામાં બાઇક ઉપર આવતા પતિ જગદીશ સાથે ભેટો થઈ ગયો હતો. આથી પતિએ તેની અટકાવીને પૂછ્યું હતું કે,‘ક્યાં જાય છે? તો પત્નીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું કે, ‘હું જયને લેવા માટે જાઉં છું.’ આથી પતિ જગદીશ અકળાઈ ગયો હતો અને ગાડી ઉપરથી ઊતરીને પત્ની પિનલની છાતીના ભાગે ચપ્પુ ઘુસાડી દીધું હતું. આથી પત્નીએ લોહીથી લથબધ હાલતમાં પ્રતિકાર કરતાં ગળાના ભાગે બીજો ઘા કરી દીધો હતો. આ બનાવ બાદ પતિ બાઇક હંકારી ત્યાંથી જતો રહ્યો હતો. બાદ તે સીધો ઘરે પહોંચ્યો હતો. પરિવારના અન્ય સભ્ય કંઈ સમજે એ પહેલા જગદીશ પુત્ર જયને ફરવાનું બહાનું કરી ત્યાંથી લઈ એકાએક ચાલવા માંડ્યો હતો. આથી જગદીશની માતા લીલાબેન (ઉં.વ.60)ને કંઈક અજૂગતું થયાની ભનક આવી જતાં ચોરીછૂપી બંનેનો પીછો કર્યો હતો. દરમિયાન થોડે દૂર આવેલા કૂવા પાસે જગદીશ અને જય ઊભેલા જણાયા હતા. અને એકાએક જગદીશે તેના જ પુત્રને ઊંચકીને 60 ફૂટ ઊંડા કૂવામાં ફેંકી દીધો હતો. એ દૃશ્ય દૂરથી જોઈને માતા લીલાબેન પુત્ર જગદીશની નજીક પહોંચે ત્યાં સુધીમાં પુત્ર જગદીશે કૂવામાં ઝંપલાવી દીધું હતું. આથી લીલાબેને બૂમાબૂમ કરી મૂકી હતી. અને એ બાદ દાદી બંનેને બચાવવા કૂવામાં કૂદી પડી હતી. એ જ અરસામાં નજીકમાં જ રહેતા લોકો દોરડા લઈ મદદે દોડી આવ્યા હતા. એક દોરડું નાંખતાં જ દાદીએ પૌત્ર જયનો હાથ પકડી દોરડું પકડી રાખ્યું હતું. જ્યારે બીજું દોરડું નાંખતાં જગદીશ કૂવામાંથી બહાર નીકળીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સ્થાનિકોએ એ બાદ પૌત્ર અને દાદીને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. પરંતુ ઉંમરને કારણે હાથ વડે પૌત્રનો ભાર નહીં ખમી શકતાં પૌત્રનો હાથ છૂટી ગયો હતો. આ બનાવમાં જયની લાશ બહાર કાઢવામાં આવી હતી. જેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ પત્નીને ચપ્પુના ઘા ઝીંકનારા અને પુત્રને કૂવામાં ફેંકી કાયદાને હાથમાં લેનારા જગદીશને દબોચી લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button