JETPURRAJKOT

વીરપુર પાસેના કેરાળી ગામની પ્રાથમીક શાળાની ઇમારત બનાવી આપે તેવી વાલી અને વિદ્યાર્થીઓની માંગ

તા.૨૪ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વીરપુર પાસેના કેરાળી ગામની પ્રાથમીક શાળાની ઇમારત દોઢેક વર્ષ પૂર્વે પડી ગઈ ત્યારથી શાળા ગામની સહકારી મંડળીની જર્જરીત ઇમારતમાં ચાલે છે. જેમાં પૂરતા વર્ગખંડ ન હોવાથી એકસાથે ચાર ચાર ધોરણના વિદ્યાર્થીઓને એકસાથે બેસાડવા પડે છે જેનાથી વિદ્યાર્થીનું ભણતર પણ બગડે છે. જેના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થવા લાગ્યો છે. આવી પરિસ્થિતિમાં નહિવત સંખ્યા થઈ જાય તે પહેલાં સરકાર શાળાને ઇમારત બનાવી આપે તેવી વાલી અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે.

સરકાર દ્વારા ભણે ગુજરાત, સર્વે શિક્ષા અભિયાન જેવા પ્રોજેકટ દ્વારા પ્રાથમિક શિક્ષણ સારી રીતે આગળ વધી રહ્યા હોવાના તેમજ સરકારી શાળાઓને ભાર વગરનું ભણતર એટલે કે ડિઝીટલ કલાસરૂમ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોવાનો પણ દાવોઓ કરવામાં આવે છે. પરંતુ જેતપુર તાલુકાના વીરપુર તાબાના કેરાળી ગામે શાળા છે, વિદ્યાર્થી છે, અને શિક્ષકો પણ છે પરંતુ શાળાની ઇમારત જ નથી ! છેને આશ્ચર્યજનક વાત ઇમારત વગરની આ શાળાએ સરકારના તમામ દાવાઓની હવા કાઢી નાંખતી જોવા મળે છે. દોઢ વર્ષ પૂર્વે જર્જરીત થઈ ગયેલ શાળા ભયજનક બની જતાં સરકાર દ્વારા શાળાની ઇમારત ધવસ્ત કરી દેવાનો હુકમ કરી નાંખ્યો. પરંતુ ઇમારત વગર વિદ્યાર્થીઓ ક્યાં ભણશે તેનું કોઈ આયોજન વગર શૈક્ષણિક સ્ટાફ પર શાળાની ઇમારત શોધી લેવાની જવાબદારી નાખી દીધી. સરકારે વિદ્યાર્થીઓને ભાર વગરના ભણતર એટલે કે પુસ્તકોનો થેલો ભરીને લાવવામાંથી તો મુક્તિ આપી પણ અહીંની શાળાના વિદ્યાર્થીઓને તો શાળાની ઇમારતમાંથી પણ મુક્તિ આપી હોય તેમ લાગી રહ્યું છે.

આ અંગે રાજેશભાઇ સરવૈયા નામના વાલીએ જણાવેલ કે,છેલ્લા દોઢ વર્ષથી શાળા સહકારી મંડળીની ઇમારતમાં ચાલે છે અને તેમાંય ૧ થી ૪ સુધીના ધોરણના વર્ગો એક જ વર્ગમાં અને ધોરણ ૫ અને ૮ના વર્ગ પણ એક જ વર્ગ ખંડમાં એકસાથે ચાલે છે. જેમાં લાઈટ ચાલી તો ધોરણ ૧ થી ૪ ના વર્ગ અંધારું થઈ જાય એટલે ત્યારે તેનો અભ્યાસ બંધ થઈ જાય અને વરસાદ કે પવન હોય ત્યારે ઉપર હોલમાં ધોરણ ૫ અને ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બંધ થઈ જાય છે. આવી પરિસ્થિતિને કારણે શાળામાંથી વિદ્યાર્થીઓની સંખ્યાંમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. અમે અમારા સંતાનોને ખાનગી શાળામાંથી ઉઠાડી અહીં સરકારી શાળામાં બેસાડ્યા જેથી શાળા બંધ ન થાય અને સરકારી શાળાને પ્રોત્સાહન મળી રહે પરંતુ અહીં શાળાની ઇમારત જ નથી તો અમારા સંતાનો ભણસે કઈ રીતે.

જ્યારે આઠમાં ધોરણમાં ભણતી ભુમી નામની વિદ્યાર્થીનીએ જણાવેલ કે, એક સાથે ચાર ચાર ધોરણ એક જ વર્ગખંડમાં બેસાડે તો અમારું ધ્યાન અભ્યાસમાં કઈ રીતે રહે. અમો આઠમાં ધોરણ સાથે પાંચમાં ધોરણના વિદ્યાર્થીઓઓને બેસાડવામાં આવે છે એટલે જ્યારે તેઓને ભણાવે ત્યારે અમોને અને અમોને ભણાવે ત્યારે તેઓ ડિસ્ટર્બ થાય છે.

સ્કૂલની ઇમારત વિશે શાળાના આચાર્ય શીતલબેન રાદડિયાએ જણાવેલ કે, અમારી સ્કૂલની ઇમારત પડી ગઈ હોવાથી છેલ્લા એકાદ વર્ષથી અમો સહકારી મંડળીની ઇમારતમાં બાળકોને અભ્યાસ કરાવીએ છીએ, અને સ્કૂલની ઇમારત ઝડપથી બની જાય તે વિશે ઉપલી કચેરીમાં રજુઆત કરી છે અને જુદાજુદા ધોરણના વિદ્યાર્થીઓને એકસાથે એક વર્ગખંડમાં અભ્યાસ કરાવવાને કારણે વિદ્યાર્થીઓ યોગ્ય રીતે અભ્યાસ ન કરી શકે તે અમોને ખબર છે પણ સ્કૂલની ઇમારત પડી ગઈ હોવાથી આવી રીતે અભ્યાસ કરાવવો અમારી મજબૂરી છે.

ભણશે ગુજરાત અને સર્વ શિક્ષા અભિયાન “સૌ ભણે, સૌ આગળ વધે” ના દાવા કરતી સરકારના દાવા અહી પોકળ સાબિત થતાં જોવા મળે છે…કેરાળી ગામના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકાર શિક્ષણ માટે યોગ્ય પગલાં લે અને વ્યવસ્થા કરે તેવી ગ્રામજનો માં માંગ ઉઠી છે.

[wptube id="1252022"]
Back to top button