JETPURRAJKOT

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે જોબફેર યોજાયો, ૨૦૦થી વધુ યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરાયા

તા.૨૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ગુજરાત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય હેઠળની ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા “દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના” અંતર્ગત રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદરના અધ્યક્ષસ્થાને જોબફેર-૨૦૨૩ યોજાયો હતો. જેમાં ૧૫ જેટલી કંપનીઓ, ઉદ્યોગો અને એન.જી.ઓમાં રોજગારી મેળવનાર જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી અને મોરબી સહિત કુલ ૨૩૯ યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શ્રી ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું કે, સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી રોજગાર અને અન્ય સુવિધાઓ રોજગાર ઇચ્છુક યુવાનોને આપવામાં આવી રહી છે. તેમજ આધુનિક ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને રોજગારમાં મહત્તમ લાભ મેળવી દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવા સરકાર સંનિષ્ઠ પ્રયત્નો કરી રહી છે. દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત યુવાનોને કારકિર્દીમાં તાલીમ અને રોજગાર મળે છે. આજે તેમને પ્રાપ્ત થયેલ નિમણુક પત્ર કારકિર્દીનું પ્રથમ ચરણ છે જેના થકી ભવિષ્યમાં નવા અનેક રસ્તાઓ પણ ખુલશે.

સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાએ જોબ ફેરમાં નિમણુક પત્ર મેળવનારને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વર્ષો પહેલા અમારા સમયમાં રોજગાર માટે આવી કોઈ તક કે માધ્યમ નહોતા. પરંતુ આજે રાજ્ય સરકાર દ્વારા દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના થકી યુવાનોને તાલીમ આપીને વિવિધ સંસ્થાઓમાં રોજગાર આપવામાં આવી રહ્યો છે. યુવાનોને આર્થિક સ્વાવલંબન બનાવીને રોજગારની દ્રષ્ટિએ તેમના જીવનને સલામત કરવાનું ઉમદા કામ સરકારશ્રી કરી રહી છે.

 

સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ કારકિર્દી સંદર્ભે પોતાના અનુભવો રજુ કરતાં કહ્યું હતું કે, એક સમયે મારે પણ જીવનનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો પરંતુ આજે મારી સંસ્થા વીસ હજાર લોકોને રોજગાર આપી રહી છે. ત્યારે આજે શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્ય તિથિના ઐતિહાસિક દિવસ પર ૨૦૦થી વધુ રોજગારી મેળવનાર યુવાઓને શુભકામના પાઠવું છું.

 

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગ્ટ્યથી કરવામાં આવી હતી. તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન અને જી.એલ.પી.સી.ના જનરલ મેનેજરશ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓ અને લાભાર્થીઓના વાલીઓએ પોતાના અનુભવો રજુ કર્યા હતા. ઉપરાંત ઉપસ્થિતોએ દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની માહિતી આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.એસ.ઠુમ્મર, ડિસ્ટ્રીક લાઈવલીહુડ મેનેજરશ્રી વિરેન્દ્રસિંહ બસીયા, વિવિધ કંપનીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં લાભાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button