BHARUCH

જંબુસર તાલુકામાં સામાન્ય વરસાદ થતાં ઢેફાઉ બિયારણ નિષ્ફળ જવાની સેવાઈ રહેલી ભીતિ. પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા.

જંબુસર તાલુકામાં સામાન્ય વરસાદ થતાં ઢેફાઉ બિયારણ નિષ્ફળ જવાની સેવાઈ રહેલી ભીતિ.
પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા.

જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધરતીપુત્રોએ કૃષિમાં સાફ-સફાઈ કરી અને બિપરજોઈ વાવાઝોડાની સાથે સારા વરસાદની આશામાં ખરીફ પાકો જેવા કે કપાસ , તુવેર , તલનું બિયારણ સુકામાં ઢેફાઉ નાખી વાવણી કરી હતી પરંતુ કૃષિ યોગ્ય સારો વરસાદ ન થતાં –સાધારણ વરસાદને કારણે જમીનમાં ભેજ ન મળતાં અને વાયરો ફૂંકાતા ઢેફાઉ નાખેલ બિયારણ જમીનમાંથી બહાર નીકળી શક્યું નથી. જમીનમાં જ ઊગી ને બેસી રહ્યું છે. જમીનના ઉપરના ભાગે પોપડો થવાને કારણે ઉગેલ બિયારણ બહાર નીકળી શક્યું નથી જેથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. ખેડૂતોની મીટ આકાશ તરફ મંડાયેલી છે. આખા વર્ષના રોટલા કાઢવા અને બે પાંદડે થવાની આશામાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો , જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરો નાખીને ઢેફાઉ બિયારણની વાવણી કરી હતી પરંતુ સામાન્ય વરસાદ થતાં તે નિષ્ફળ જાય એવી દહેશત ઉભી થઇ છે. દિવસ દરમિયાન વાદળોની હડિયાદોટ જોવા મળી રહી છે અને બપોર પછી વૈશાખ જેવો વાયરો ફૂંકાતા અને રાત્રીના સમયે તારા જોવા મળતાં ખેડૂતોને નિરાશા જન્મી છે. જો એક વખતનું મોંઘા ભાવનું બિયારણ બગડશે તો બીજી વખત બિયારણ લાવવું કેવી રીતે ?
વ્યાજે નાણા લઇને કે જનશો ગીરવે મૂકીને લાવવું પડે.! જો ટૂંક સમયમાં મેઘરાજાની સવારી નહીં આવે તો ઢેફાઉ બિયારણ નિષ્ફળ જશે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળશે એવું અત્યારે જણાઈ રહ્યું છે. જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લાખો રૂપિયાનું ઢેફાઉ બિયારણ નિષ્ફળ જાય એવી ભીતિ સેવાઈ રહી છે. જેથી જગતનો તાત ચિંતામાં ગરકાવ થયો છે. એક જમાનામાં ખેતી ઉત્તમ , મધ્યમ વેપાર અને નફફટ નોકરી હતી તેના બદલે પરિસ્થિતિ બદલાતા ઉત્તમ નોકરી , મધ્યમ વેપાર અને નફફટ ખેતી પુરવાર થઇ રહી છે. જગતના તાત ઉપર વારંવાર કુદરતી આપત્તિ આવતી જાય છે જેના કારણે દેવાના ડુંગરમાં ડૂબતો જાય છે. જો ગણતરીના સમયમાં મેઘરાજા હાજરી નહીં પૂરાવે તો લાખો રૂપિયાનું
ઢેફાઉ બિયારણ નાશ પામશે એવી ભીતિ સેવાઈ રહી છે.
જો જંબુસર તાલુકાના ખેડૂતોને ઢેફાઉ બિયારણ નાશ પામશે તો પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થશે.

” બિપોરજોઈ વાવાઝોડાનાં લઈને વરસાદની આગાહીને કારણે ખેડૂતોએ ખરીફ પાકોનું ઢેફાઉ બિયારણ ખેતીમાં નાખ્યું હતું પરંતુ ઓછા વરસાદને કારણે અને વાયરો ફુંકાતાં અને જમીન પર પોપડો થતાં બિયારણ બહાર ન નીકળી શકવાને કારણે પીળું પડી જતા આખરે સુકાઈ જવાની દહેશત ઊભી થઈ છે.

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button