JETPURRAJKOT

રાજકોટ સહિત પાંચ તાલુકાના આંતરિયાળ ક્ષેત્રોમાં ૧૫૫ ટ્યૂબવેલ બોર કરીને પહોંચાડાયું પેયજળ

તા.૨૦ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પાણી પુરવઠા બોર્ડ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બોર કરીને પાણી પૂરું પડાયું

‘માનવી ત્યાં સુવિધા’ની નેમ સાથે કામ કરતી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની ગુજરાત સરકાર નાગરિકોની સુખાકારી માટે બહુવિધ આયામો અને યોજનાઓ સાથે કામ કરી રહી છે. અંતરિયાળ વિસ્તારોના ગામોમાં નાગરિકોને પર્યાપ્ત પેયજળ અને વપરાશનું જળ મળી રહે તે માટે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા બોરવેલ બનાવીને પાણીની આપૂર્તિ કરાય છે. રાજકોટ જિલ્લાના રાજકોટ, પડધરી, ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી તાલુકાના અંતરિયાળ વિસ્તારો જ્યાં પીવાના પાણીની ખેંચ હતી, ત્યાં ૧૫૫ જેટલા ટ્યૂબવેલ બોર પૈકી ૧૦૪ બોર મારફત લોકોને ઘરઆંગણે જ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

રાજકોટ ઝોનના જાહેર આરોગ્ય, યાંત્રિક વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી કે.કે. તેરૈયાના માર્ગદર્શનમાં જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામીણ વિસ્તારોમાં નાયબ કાર્યપાલક ઈજનેરો દ્વારા બોરવેલની કામગીરી કરવામાં આવી છે. યાંત્રિક પેટા વિભાગ-૧, રાજકોટના નાયબ કાર્યપાલક ઈજનેર(યાંત્રિક) સુશ્રી પૂર્વાંગી ગોસાઈના જણાવ્યા પ્રમાણે, રાજકોટ, પડધરી, ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી તાલુકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૫૫ ટ્યૂબવેલ બોરવેલ કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ ૨૦૧૮-૧૯માં ૩૭ બોર, વર્ષ ૨૦૧૯-૨૦માં ૬૧ બોર, વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૪ બોર, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦ બોર જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૩ બોર કરવામાં આવ્યા છે. જેમાંથી આજે ૧૦૪ બોરવેલ જીવંત છે અને આ બોરવેલ મારફત આ પાંચેય તાલુકાના લોકોને પીવાના પાણી તેમજ ઘર વપરાશના પાણીનો લાભ મળી રહ્યો છે.

મહત્વનું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં બોર કરતા પહેલાં એક વ્યવસ્થિત પદ્ધતિને અનુસરવામાં આવે છે. જેમાં ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પાણી પુરવઠા તથા ગટર વ્યવસ્થા બોર્ડને સ્થળ સૂચિત કરવામાં આવે છે. બાદમાં આ સૂચિત સ્થળની બોર્ડના જીઓ-હાઇડ્રોલોજિસ્ટ દ્વારા મુલાકાત લઈને સર્વે કરવામાં આવે છે, તેમજ વધુ પાણી ક્યા સ્થળેથી મળવાની સંભાવના છે, તે બાબતે ભૂસ્તરીય સર્વેક્ષણ કરવામાં આવે છે. એ પછી સ્થાન નક્કી કરીને બોરવેલ કરવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button