RAJKOTUPLETA

બિપરજોય વાવાઝોડાની આપદા વખતે ફરજ સાથે સેવાનું ઉત્તમ દૃષ્ટાંત ઉપલેટામાં નિરાધાર વૃધ્ધાના ઘરે જઈ કેશડોલની સહાય આપતા નાયબ મામલતદાર

તા.૧૮ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડા સંદર્ભે અસરગ્રસ્ત વિસ્તારના સ્થળાંતરિત કરવામાં આવેલા લોકોને કેશડોલની રકમ ચૂકવવામાં આવે છે. જે અન્વયે ઉપલેટામાં નાયબ મામલતદારશ્રી એ. જે. જાદવએ નિરાધાર વૃદ્ધાના ઘરે જઈ કેશડોલની સહાય આપીને સરાહનીય કામગીરી કરી હતી.

ઉપલેટા શહેરના જડેશ્વર વિસ્તારમાં રહેતા ૯૦ વર્ષીય શ્રી સરસ્વતીબેન ટપુભાઈ નિમાવતને બિપરજોય વાવાઝોડાથી બચાવ અર્થે અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે આશરો આપવામાં આવ્યો હતો. તેઓ વાવાઝોડાનો ખતરો ટળતાં ઘરે પરત ફર્યા હતા. ઘરમાં એકલા રહેતા વૃદ્ધાની આર્થિક પરિસ્થિતિ નબળી છે. તેમના પગમાં સોજા ચડી જવાથી તેઓ વધારે હલનચલન કરવા અક્ષમ છે. આથી, મામલતદારશ્રી એમ. ટી. ધનવાણીના માર્ગદર્શન મુજબ મામલતદારશ્રી એ. જે. જાદવએ શ્રી સરસ્વતીબેનના ઘરે જઈ, રૂ. ૪૦૦ જેટલી કેશડોલની સહાય ચૂકવી હતી.

આમ, ઉપલેટા મામલતદાર કચેરીએ બિપરજોય વાવાઝોડાની આપદા વખતે કેશડોલ ચૂકવવાની ફરજ નિભાવવાની સાથેસાથે નિરાધાર વયોવૃદ્ધ મહિલાની પરિસ્થિતિ સમજી, તેમના ઘરે રૂબરૂ રોકડ સહાય આપીને જનસેવાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button