
સગીર બાળા સામે વડાપ્રધાનનો વિજય થયો; પરંતુ ન્યાયની હાર થઈ !
મિત્રએ ઘણા દિવસનો રોષ ઠાલવ્યો : “હવે તો મૂકો. સત્તાપક્ષના MP બ્રિજભૂષણસિંહ સામે POCSO એક્ટ હેઠળની ફરિયાદમાં કોઈ પુરાવા ન મળ્યા એટલે દિલ્હી પોલીસે 15 જૂન 2023ના રોજ, ક્લોઝર રીપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે ! મહિલા પહેલવાનોએ ખોટા આક્ષેપો કર્યા હતા, એ પોલીસના રીપોર્ટ પરથી સાબિત થઈ ગયું છે ! બોલો હવે કંઈ કહેવું છે?”
મેં કહ્યું : “દોસ્ત, કોઈ સગીર બાળા એક વખત યૌન શોષણની ફરિયાદ કરે એટલે આરોપીને ક્લીન ચીટ આપવાનું કામ પોલીસનું નથી. એ કામ કોર્ટનું છે. પરંતુ પોલીસ જો ખંતપૂર્વક પુરાવા એકત્ર ન કરે તો કોર્ટ પણ ક્લોઝર રીપોર્ટના આધારે આરોપીને દોષમુક્ત કરી દે ! આ કિસ્સામાં એક તરફ સગીર બાળા હતી; જ્યારે બીજી તરફ સત્તાપક્ષના MP બ્રિજભૂષણસિંહ/ સત્તાપક્ષના મંત્રીઓ/ સંસદસભ્યો/ પોલીસ/ આખું તંત્ર/ ગૃહમંત્રી/ વડાપ્રધાન હતા ! એટલે સગીર બાળા સામે સત્તાપક્ષનો/ વડાપ્રધાનનો વિજય થયો છે ! પરંતુ ન્યાયની હાર થઈ છે ! વડાપ્રધાનને, બ્રિજભૂષણસિંહને જેલમાં રોકવામાં સફળતા મળી છે ! એટલું જ નહીં ‘મહિલા પહેલવાનોના મેડલ તો 15-15 રુપિયાના છે !’ એમ કહીને તેમનું ચરિત્રહનન કરવામાં આરોપી બ્રિજભૂષણસિંહને તથા સત્તાપક્ષના IT Cellને સફળતા મળી છે !”
મિત્ર વચ્ચે જ બોલ્યો : “એટલે જ કહું છું કે હવે તો મૂકો ! સરકારને/ દેશને બદનામ કરવાનું બંધ કરો !”
મેં કહ્યું : “મિત્ર, શોષણ સામે અવાજ ઉઠાવવામાં સરકાર બદનામ થઈ શકે, દેશ નહીં. સરકાર એ દેશ નથી, વડાપ્રધાન એ દેશ નથી ! ભાગ્યે જ કોઈ મહિલા યૌન શોષણની ફરિયાદ જાણીજોઈને કરે ! આ તો દેશને ગૌરવ અપાવનાર મહિલા પહેલવાનો છે; એ શામાટે યૌન શોષણની ખોટી ફરિયાદ કરે? આ કિસ્સામાં મહિલા પહેલવાનોએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી તો ધરાર નોંધવામાં ન આવી. સુપ્રિમકોર્ટે કહ્યું તો નછૂટકે પોલીસે બે FIR નોંધી. જેમાં એક FIRમાં POCSO એક્ટની કલમ હતી. બ્રિજભૂષણસિંહની સ્થિતિ આશારામ જેવી થવાની નક્કી હતી, એટલે જ દેશના વડાપ્રધાન/ ગૃહમંત્રીએ પોલીસ પાસે ક્લોઝર રીપોર્ટ રજૂ કરાવવાનું શરમજનક કામ કરાવ્યું છે ! સત્તાપક્ષ/ RSS/ બજરંગ દળ/ વિશ્વ હિન્દુ પરિષદ/ દુર્ગા વાહિની વગેરેની જીત થઈ છે પણ ન્યાયની હાર થઈ છે ! આ બધાં યૌન શોષણના સમર્થનમાં મૂંગા રહ્યા ! આ કેવી દુર્ગા વાહિની કે યૌન શોષણનો ભોગ બનેલ મહિલા પહેલવાનોના પડખે ઊભી ન રહી? મહિલાનું ગૌરવ મહત્વનું છે કે રાજકીય સ્વાર્થ? સગીર બાળા યૌનશોષણની ફરિયાદ કરે, પોલીસ વગદાર આરોપીને એરેસ્ટ ન કરે અને સગીર બાળા FIRથી જુદું નિવેદન આપે તો શું સમજવું? ભોગ બનનાર નિવેદન બદલે તે માટે આરોપીને નહીં પકડીને આરોપીને તક આપવામાં આવી જેથી ભોગ બનનાર બાળા પોતાનું નિવેદન બદલી શકે ! ન્યાય માટે ધરણા-પ્રદર્શન કરનાર પહેલવાનો સામે દિલ્હી પોલીસે IPC કલમ-147, 149, 186, 188, 332, 353 હેઠળ ગુનો દાખલ કરી; દેશને ગૌરવ અપાવનાર વિનેશ ફોગાટ/ સાક્ષી મલિક/ સંગીતા ફોગાટ/ બજરંગ પૂનિયાને ગુનેગાર બનાવી દીધાં ! શું આ લોકશાહી/ ન્યાય પરનો આતંકવાદ નથી? વડાપ્રધાને સૂત્ર આપેલ કે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ !’ પરંતુ વડાપ્રધાને સાબિત કર્યુ કે ‘બેટી ડરાઓ, બ્રિજભૂષણ બચાઓ !’ 45 દિવસ સુધી દિલ્હી પોલીસે બ્રિજભૂષણ સિંહની પૂછપરછ પણ ન કરી ! શું બિલ્કિસ બાનો દેશની બેટી નથી? તેની ત્રણ વરસની દિકરીની હત્યા કરી અને બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર કરનાર દોષિત 11 કેદીઓને વહેલા જેલમુક્ત કર્યા ત્યારે હારતોરાથી/ તિલક ચાંદલાથી સન્માન કરનાર સત્તાપક્ષની મહિલાઓ જ હતીને? કુલદીપસિંહ સેંગરે/ ચિન્મયાનંદે જે બાળા પર બળાત્કાર કરેલ તે દેશની બેટી ન હતી? ઉત્તરાખંડની અંકિતા/ હાથરસની બાળા દેશની બેટી ન હતી? દર વખતે સત્તાપક્ષના નેતાઓ/ મંત્રીઓ, ભોગ બનનાર સામે અને બળાત્કારીઓ સાથે કેમ ઊભા રહે છે? દર વખતે વડાપ્રધાન શામાટે ચૂપ રહે છે? સરકાર મદદ કરશે એવી આશા દેશની દિકરીઓ/મહિલાઓ રાખી શકે તેમ છે? સચ્ચાઈ એ છે કે જો તમે સત્તાપક્ષના કોઈ બળાત્કારી/ હત્યારા સામે અવાજ ઊઠાવશો તો આખી સરકાર/ પોલીસ/ સરકારી એજન્સીઓ/ IT Cell/ દરબારી મીડિયા/ સત્તાપક્ષના મંત્રીઓ-સંસદસભ્યો અને દેશના વડાપ્રધાન તમારી સામે ઊભા હશે ! દોસ્ત, મને ડર લાગી રહ્યો છે; હિન્દુરાષ્ટ્ર બની ગયા બાદ કાનૂન-વ્યવસ્થા શું બળાત્કારીઓ/ હત્યારાઓ સંભાળશે?”rs










