NAVSARI

નવસારી: શાળાએ જીવન ઘડતર માટેનો પાયો છે -સંસદસભ્યશ્રી સી.આર.પાટીલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ઇંટાળવા પ્રાથમિક શાળામાં સાંસદ શ્રી સી.આર.પાટીલના હસ્તે ૧૮૯ નાના ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ‘ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની’  નવસારી જિલ્લાના ઇંટાળવા ખાતે સાંસદ સભ્યશ્રી સી.આર.પાટીલના હસ્તે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પટાંગણમાં સાંસદ સભ્યશ્રી સી.આર.પાટીલનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. સાંસદ સભ્યશ્રી પાટીલના હસ્તે ખિલખિલાટ કરતાં ૧૦૬ બાળકોએ બાળવાટિકામાં, ધોરણ-૧માં ૫૫ બાળકો અને ૨૮ બાળકોએ આંગણવાડીમાં  પ્રવેશ મેળવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના શુભારંભ પ્રસંગે સાંસદશ્રી સી.આર.પાટીલે ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, શાળાએ જીવન ઘડતર માટેનો પાયો છે. શાળા જીવનનું પ્રથમ પગથિયું આંગણવાડી/બાલવાટિકાને ગણાવી શકાય કારણકે આંગણવાડી અને બાલવાટિકા દ્વારા જ બાળકમાં શિક્ષણ વિશેની રૂચિ કેળવાય છે. વેકેશન બાદ શાળામાં પાપા પગલી માંડતા ભૂલકાંઓના કલરવથી આજે શાળા ગુંજી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. બાળકોને સારું શિક્ષણ આપવા માટે માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલ શાળા પ્રવેશોત્સવથી આજે સારા શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ થયું છે. આજે સારા શિક્ષણને લીધે ડોકટરો, એન્જિનિયર બની વિદ્યાર્થીઓ દેશના ઘડતરમાં અમૂલ્ય સહયોગ આપી રહ્યા છે.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સંબોધતા નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઇએ ભારતના દુરંદેશી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારની શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ યાત્રાની સિદ્ધિઓ અને સંસ્મરણો વાગોળ્યા હતા.પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવી અભ્યાસ જીવનની શરૂઆત એ બાળકના ઘડતર અને તેના વિકાસનું પ્રથમ પાયાનું પગથિયું છે. રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે અવિરત અને સતત સુધારણા કરવા પ્રયત્નશીલ છે.
આ કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરાઈ હતી. કાર્યક્રમમાં મહાનુભાવોને પુસ્તક આપીને આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત તથા વૃક્ષારોપણ, બેટી બચાવો જેવા વિવિધ વિષયો ઉપર વક્તવ્ય રજૂ કર્યા હતા. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે વૃક્ષરોપણ તેમજ દાતાશ્રીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી જીગીશ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, પ્રદેશ મંત્રીશ્રી શીતલબેન સોની, અગ્રણીશ્રી મધુભાઇ કથીરીયા તેમજ પદાધિકારીશ્રીઓ/ અધિકારીશ્રીઓ તથા વાલીગણ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button