
તા.૧૩ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વેપારીઓ તેમજ કારખાનેદારોને ૧૪ અને ૧૫ જૂન ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરાઈ
બિપરજોય વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિ સામે રાજ્ય સરકારનાં દિશાનિર્દેશ અનુસાર રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં વાવાઝોડા સમયે તકેદારી અને આગોતરા આયોજન અંગે જેતપુર સેવા સદન ખાતે ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયા, જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક મળી હતી.

જેતપુર ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાએ વિવિધ સંસ્થાઓ તેમજ વહીવટીતંત્રને સંબોધતા કહ્યું હતું કે, સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિ સમયે તમામ વિભાગોના અધિકારીઓ સતત સંકલનમાં રહી તમામ તેના મોબાઈલ ફોન ચાલુ રાખી કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા સતત જાગૃત અને સતર્ક રહે. કોઈપણ પ્રકારની જાનહાની ન થાય, લોકો સલામત રહે તે માટે વહીવટી તંત્ર સાથે મળીને સૌ સહયોગી બની કાર્ય કરીશું.
આ બેઠકમાં વિવિધ સંસ્થાઓ જેવી કે, જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન, જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ વેપારી મંડળો, તાલુકા અને શહેરના આગેવાનો સાથે મળીને જરૂરી વ્યવસ્થા, તકેદારી માટે જરૂરી સૂચનો અર્થે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેતપુર આપત્તિ વ્યવસ્થાપન સમિતિના લાયઝન અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયાએ જેતપુર શહેર તેમજ તાલુકામાં સંભવિત વાવાઝોડા સામે તકેદારી રૂપે કરવામાં આવેલી વ્યવસ્થા અને લેવામાં આવેલા જરૂરી પગલા વિશે આ બેઠકમાં વિગતવાર માહિતી આપી હતી.

જે સંદર્ભે કલેકટરશ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, જેતપુર તેમજ સમગ્ર રાજકોટ જિલ્લામાં વાવાઝોડા સામે આગોતરા તમામ પગલાં લેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર સંપૂર્ણ તકેદારી અને સાવચેતી સાથે સજ્જ થઈ કામગીરી કરી રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ તકેદારીના તમામ કાર્યો આજ રાત સુધીમાં પૂર્ણ કરવા જેતપુરના સંબંધિત સરકારી વિભાગોને સૂચિત કર્યા હતા.
આ બેઠકમાં વાવાઝોડાની સંભવિત અસરો સામે આગેવાનો તેમજ વિવિધ સંસ્થા તરફથી દુકાનો કારખાના બંધ રાખવા માટે રજૂઆત થતાં ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાએ જેતપુર વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો – કારખાનાઓ અને ધંધા – રોજગાર ૧૪ અને ૧૫ જૂન એમ બે દિવસ બંધ રાખવા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસીએશન અને ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ વેપારી મંડળો અને ધંધા રોજગાર ધારકોને જાહેર અપીલ કરી હતી.
આ બેઠકમાં જેતપુરના વિવિધ સંગઠનો, સંસ્થાઓના હોદેદારો, આગેવાનો, સંબંધિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા વાવાઝોડા સમયે તમામ જગ્યાએ સહયોગી બનીશું તેવો સૂર વ્યક્ત કર્યો હતો.








