MORBIMORBI CITY / TALUKO

બિપરજોય વાવાઝોડાને લઇને મોરબીના વહીવટીતંત્રની તૈયારી, રાહત-બચાવ વ્યવસ્થાપનની મંત્રી કનુભાઈ દેસાઈએ સમીક્ષા કરી

બિપરજોય વાવાઝોડાને લઇને મોરબીના વહીવટીતંત્રની તૈયારી, રાહત-બચાવ વ્યવસ્થાપનની મંત્રી કનુભાઈ દેસાઈએ સમીક્ષા કરી

 

ગુજરાતના ચીફ સેક્રટરીશ્રી રાજકુમારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તૈયારીની સમીક્ષા કરીને લોકોની સલામતી-સુરક્ષાના મુદે કોઇપણ ચૂક ન રહી જાય તે જોવા વહીવટીતંત્રને સુચન કર્યું

મોરબીમાં બિપરજોય વાવાઝોડાના કારણે કોઇપણ પ્રકારની જાન-માલની નુકસાની ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. ત્યારે આજરોજ મોરબી જિલ્લામાં તૈયારીની સમીક્ષા હેતુ પધારેલા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વહીવટીતંત્ર સાથે બેઠક યોજીને જિલ્લા કલેકટરશ્રી પાસેથી અત્યાર સુધી કરાયેલી તમામ તૈયારીની વિગતો જાણીને ખાસ કરીને દરીયાકાંઠાના ૦ થી ૫ કિ.મીના વિસ્તારમાં કાચા મકાનમાં તથા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સલામત સ્થળે સંપૂર્ણ સ્થળાંતર કરવા સુચના આપી હતી. આ સાથે વાવાઝોડા બાદ ઉપસ્થિત થનાર પરિસ્થિતિને પહોંચી વળવા અત્યારથી જ એકશન પ્લાન તૈયાર કરવા તેમાં ખાસ કરીને ભોજન, પાણી, વીજળી અને આરોગ્યની સુવિધા તત્કાલ પૂર્વવત થાય તે જોવા તાકીદ કરી હતી. આજની આ બેઠક દરમિયાન વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના ચીફ સેક્રટરીશ્રી રાજ કુમાર જોડાઇને મોરબીની તૈયારી અંગે સમીક્ષા કરીને જરૂરી સૂચના આપી હતી.

બેઠક દરમિયાન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના ચીફ સેક્રેટરીએ જોડાઇને મોરબી જિલ્લામાં વહીવટીતંત્રની તૈયારી તથા અત્યાર સુધી થયેલા સ્થળાંતર સહિતની વિગતો મેળવીને જિલ્લા કલેકટરશ્રીને દરીયાકાંઠાના ગામોમાં ત્વરીત સ્થળાંતર કરાવવા તેમજ વાવાઝોડાની સ્થિતિ દરમિયાન સંચાર વ્યવસ્થા જળવાઇ રહે, ત્વરાએ ઇલેકટ્રીક સપ્લાર્ય પુર્વવત થાય, રસ્તા બ્લોક ન રહે, આરોગ્ય સુવિધા ત્વરીત મળી રહે તે જોવા સૂચના આપી હતી. આ સાથે શેલ્ટર હોમમાં તમામ પ્રકારની જીવન જરૂરીયાતની ચીજો રાખવા જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ બેઠકમાં ઝીરો કેઝ્યુઆલટીના અભિગમ સાથે કામગીરી કરવાનો તંત્રને આદેશ આપ્યો હતો. ખાસ કરીને પ્રાથમિક જરૂરીયાત જેવી કે, વીજળી, પાણીની વિતરણ સુવિધા અને કમ્યુનિકેશન નેટવર્ક વહેલી તકે ફરીથી સ્થાપિત થઇ શકે તે બાબતની ખાસ તકેદારી રાખીને દરિયાકાંઠાના ૦ થી ૧૦ કિ.મીમાં આવતા ગામોમાં કાચા મકાન તથા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું ૧૦૦ ટકા સ્થળાંતર કરવા સુચના આપી હતી. વાવાઝોડા બાદ આરોગ્ય સેવા સુદ્રઢ રહે તે માટે અત્યારથી જ જિલ્લાના મુખ્ય તથા અન્ય આરોગ્ય કેન્દ્રોમાં બેડ, તથા અન્ય આનુસંગિક વ્યવસ્થા અંગેની ચકાસણી કરી લેવા તથા પહેલાથી ભોજન,ફુડ પેકેટ સહિતની તમામ જરૂરી તૈયારીનું આયોજન ઘડી કાઢવા ખાસ તાકીદ કરી હતી. ઉપરાંત મુખ્ય કંટ્રોલરૂમ અને ડયુટી પર મુકાયેલા અધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલન થાય તે રીતનું આયોજન ઘડી કાઢવા કલેક્ટરશ્રીને સુચના આપી હતી.

આ બેઠક/વીડિયો કોન્ફરન્સમાં મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટરશ્રી જી. ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, હળવદ-માળીયા પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button