
તા. ૧૩ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ધો.૧ માં ૫૬ અને આંગણવાડીઓમાં ૪૭ બાળકોનું વાજતે ગાજતે થયું નામાંકન
રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. જે અન્વયે રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકામાં આઠ હજારની વસતી ધરાવતા કમળાપુર ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આરોગ્ય, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો વ્યવસ્થા અને સંસદીય બાબતોના વિભાગના નાયબ સચિવશ્રી કૌશિકભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો

કમળાપુર માં ત્રણ પ્રાથમિક શાળા અને પાંચ આંગણવાડીઓ આવેલી છે. ધો. ૧ માં ૫૬(કુમાર ૩૪ કન્યા ૨૨) અને આંગણવાડી માં ૪૭ (કુમાર ૨૦ કન્યા ૨૭) બાળકોને કુમકુમ તિલક કરી વાજતે ગાજતે શાળામાં પ્રવેશ અપાયો હતો.
આ તકે નાયબ સચિવશ્રી ડો.કૌશિકભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે, “મેં શાળામાં પ્રવેશ લીધો, ત્યારે અમે રડતા રડતા જતા હતા પણ હવે બાળકો હસતા હસતા આવે છે. બાળકોના અહીંથી અભ્યાસની શરૂઆત થઈ રહી છે.બાળકો ભણશે તો આગળ વધશે. અભ્યાસથી ભવિષ્યનું ઘડતર થઈ શકે છે. ભણતરમાં રોકાણ ખુબ જરૂરી છે. તેનાથી સિદ્ધિ હાસલ કરી શકીએ છીએ. વાલીઓ અને શિક્ષકોએ બાળકો નિયમિત શાળા એ આવે તે સુનિશ્ચિત કરવુ જોઇએ. આપણો દેશ પૂર્ણ શિક્ષિત બનશે.બાળકોને શાળામાં ક્વોલિફાઇડ શિક્ષણ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે, સરકાર દ્વારા પુસ્તકો, સ્કોલરશીપ, પોષણયુક્ત આહાર આપવવામાં આવે છે.”

નાયબ સચિવશ્રીએ બાળકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમજ શિક્ષકો સાથે પણ મીટીંગ યોજી હતી. આઠ હજારની વસતી ધરાવતા ગામમાં કુલ પાંચ આંગણવાડીઓ આવેલી છે,આ પ્રસંગે નાયબ સચિવશ્રીએ બાલવાટિકાનું ઉદધાટન કર્યું હતું. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. નાયબ સચિવશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી થઇ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓએ કર્યું હતું. બાળાઓએ ‘મનુષ્ય તું બડા મહાન હે…’ ગીત રજૂ કર્યું હતું. આચાર્યશ્રી પ્રશાંતભાઈ જાનીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. બાળકોને દફતરની કીટ આપનાર દાતાશ્રી યોગેશભાઈ બામણીયાનું સન્માન કરાયું હતું. શાળામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવનાર વિદ્યાર્થીઓનું શૈક્ષણિક અર્પણ કરી સન્માન કરાયું હતું.

આ તકે જેટકોના કાર્યપાલક ઇજનરશ્રી એમ.કે.ચીખલીયા, લાયઝન અધિકારી ડો. પ્રશાંત અંબાસણા, મામલતદાર સંજયભાઈ અશવાળ, વહીવટદાર પારસ વેકરીયા,અગ્રણીશ્રી મુકેશ દુધરીજીયા, ખોડાભાઈ દુધરેજીયા, પીએચસીના ડો.ધવલ ગોસાઈ આચાર્ય સર્વશ્રી દલપતસિંગ મકવાણા, જશવંતભાઈ મકવાણા, પ્રશાંતભાઈ જાની શિક્ષકો, આંગણવાડીના બાળકો, સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.








