નવસારી ખાતે બાલવાટિકા અને ધોરણ-૧ માં બાળકોને પ્રવેશ કરાવતા ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
રાજય સરકાર દ્વારા તા.૧૨ મી જુનથી રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત નવસારી નગર પ્રાથમિક કન્યાશાળા નં-૩, દેવીના પાર્ક ખાતે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જયારે મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવમાં રાજયના મુખ્યમંત્રીશ્રી, પદાધિકારીઓ, સચિવશ્રીઓ, અધિકારીઓ, ગામે ગામે જઇ બાળકોને શાળા પ્રવેશ કરાવી રહયાં છે.
ધારાસભ્યશ્રી જણાવ્યું કે, શિક્ષણની નવી નિતિ અન્વયે ચાલુ વર્ષે બાળકોને આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ માં નામાંકન કરવામાં આવ્યું છે. વાલીઓ ખૂબ જ વિશ્વાસ સાથે તેમના બાળકોને શાળાએ મોકલે છે ત્યારે શિક્ષકોની પણ ખૂબ મોટી જવાબદારી રહે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ આપી તેમનું ભવિષ્ય ઉજજવળ બનાવવા જણાવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી અજયભાઇ દેસાઇએ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અન્વયે શાબ્દિક ઉદબોધન કર્યુ હતું.
કાર્યક્રમના પ્રારંભમાં ધારાસભ્યશ્રી સહિત મહાનુભાવોએ બાળકોને દફતર કીટ, કંપાસ બોકસ આપી નામાંકન કરાવ્યું હતું. કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના આરોગ્યની તપાસણી કરી હતી.
નવસારી નગર પ્રાથિમક કન્યાશાળા નં-૩માં બાલવાટિકા અને ધોરણ-૧ માં કુલ-૪૦ બાળકો, ગૌચરફળિયા પ્રાથમિક શાળામા કુલ-૧૦ બાળકો અને વાડા પ્રાથમિક શાળામાં કુલ-૧૦ બાળકોને કુમકુમ તિલક કરી મહાનુભાવોને હસ્તે નામાંકન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભગીરથભાઇ પરમાર, અગ્રણીઓ, શિક્ષકમિત્રો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતાં.




