NATIONAL

આંતરરાષ્ટ્રીય કુશ્તી રેફરી જગબીર સિંહ, કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ વિજેતાએ ૩ મહિલા પહેલવાનોના આરોપોનું સમર્થન કર્યું

નવી દિલ્હી : ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર એક સગીરા સહિત મહિલા પહેલવાનોના જાતીય શોષણના કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એક આંતરરાષ્ટ્રીય કુશ્તી રેફરી જગબીર સિંહે મહિલા પહેલવાનોના આરોપોનું સમર્થન કરતા કહ્યું છે કે તેણે બ્રિજભૂષણને એક મહિલા પહેલવાન સાથે ચેડાં કરતાં જોયા હતા. બીજીબાજુ દિલ્હી પોલીસ સંગીતા ફોગાટને ક્રાઈમ સીન રીક્રિએટ કરવા માટે બ્રિજભૂષણની ઓફિસ લઈ ગઈ હતી.

આંતરરાષ્ટ્રીય કુશ્તીના રેફરી જગબીર સિંહે જણાવ્યું હતું કે, તે દિવસે કંઈક તો ખોટું થયું હતું. બ્રિજભૂષણ અને મહિલા પહેલવાન બાજુબાજુમાં ઊભા હતા. મહિલા પહેલવાન અસહજ દેખાતી હતી. તેણે બ્રિજભૂષણને ધક્કો પણ માર્યો અને કંઈક બોલીને ત્યાંથી જતી રહી. બ્રિજભૂષણ પહેલવાનોને હાથ પકડીને બોલાવી રહ્યો હતો અને કહેતો હતો કે આવી જા, અહીં ઊભી રહી જા…

વર્ષ ૨૦૦૭થી આંતરરાષ્ટ્રીય કુશ્તી રેફરી જગબીર સિંહ, જે આ ઘટના સમયે બ્રિજભૂષણ અને ફરિયાદી મહિલા પહેલવાનથી થોડાક ફૂટ જ દૂર ઊભો હતો તેણે દિલ્હી પોલીસ સમક્ષ ફરિયાદી મહિલા પહેલવાનના આરોપોની પુષ્ટી કરી હતી. જગબીર સિંહે એક ફોટો પણ ટાંક્યો હતો અને કહ્યું કે દિલ્હી પોલીસે તેને ફોટો અંગે સવાલ કર્યો હતો.

જગબિર સિંહ ચાર રાજ્યોમાં ૧૨૫થી વધુ સંભવિત સાક્ષીઓમાં સામેલ છે. દિલ્હી પોલીસ મહિલા પહેલવાનોની ફરિયાદની તપાસ ૧૫ જૂન સુધીમાં પૂરી કરી લે તેવી આશા છે. બ્રિજભૂષણ વિરુદ્ધ આ કેસમાં એક ઓલિમ્પિયન, એક કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડન એવોર્ડ વિજેતા, એક આંતરરાષ્ટ્રીય રેફરી અને એક રાજ્ય સ્તરના કોચે ત્રણ ફરિયાદી મહિલા પહેલવાનોના આરોપોની પુષ્ટી કરી છે.

દરમિયાન દિલ્હી પોલીસ ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે મહિલા પહેલવાન સંગીતા ફોગાટને લઈને બ્રિજભૂષણની ઓફિસે પહોંચી હતી. દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા પહેલવાન સાથે તેમની ટીમ બ્રિજભૂષણની ઓફિસે બપોરે ૧.૩૦ વાગ્યે પહોંચી હતી અને મહિલા પહેલવાનને કયા કયા સ્થળે તેણે સતામણી સહન કરવી પડી હતી તે સીન રીક્રિએટ કરવા કહ્યું હતું. દિલ્હી પોલીસના રવાના થયાના કેટલાક કલાકો પછી બ્રિજભૂષણ સામે આંદોલન કરનારા પહેલવાનો વિનેશ ફોગાટ, બજરંગ પુનિયાએ ટ્વિટર પર ભારે નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ બ્રિજભૂષણની તાકાત છે. બ્રિજભૂષણ તેના મસલ પાવર, રાજકીટ પાવરનો દુરુપયોગ કરીને મહિલા પહેલવાનોની પજવણી કરે છે અને ખોટી અફવાઓ ફેલાવે છે. તેથી જ તેની ધરપકડ જરૂરી છે. દિલ્હી પોલીસ એક મહિલા પહેલવાનને ક્રાઈમ સીન રીક્રિએટ કરવા બ્રિજભૂષણની ઓફિસ લઈ ગઈ તો મીડિયામાં એવા અહેવાલો ફેલાવાયા કે તે સમાધાન કરવા માટે ત્યાં ગઈ છે.

ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપ ખોટા હોવાનો દાવો કરનારા સગીરા પહેલવાનના પિતાએ લીધેલા યુ-ટર્નનો હવે કોઈ અર્થ નથી. સગીરાના પિતાએ ગુરુવારે કહ્યું હતું કે, તેમણે બ્રિજભૂષણ વિરુદ્ધ ઈરાદાપૂર્વક જાતીય સતામણીની ખોટી ફરિયાદ કરી હતી, કારણ કે તેઓ તેમની પુત્રી સાથે થયેલા અન્યાયથી નારાજ હતા. જોકે, પોક્સો કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે સગીર મહિલા પહેલવાનના પિતાનું નિવેદન સ્વીકારવું પોલીસ માટે ફરજિયાત નથીી. તે તપાસ ચાલુ રાખી શકે છે, કારણ કે સગીરાનું નિવેદન સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ નોંધાઈ ગયું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ કહ્યું કે, સગીરાના પિતાએ મીડિયા સમક્ષ ભલે નિવેદન આપ્યું હોય, પરંતુ તેમણે કઈ પરિસ્થિતિઓમાં આ નિવેદન આપ્યું તેની પોલીસે ખરાઈ કરવાની છે.

[wptube id="1252022"]
Back to top button